આણંદઃ શહેરમાં થોડા દિવસો અગાવ એક સંસ્થા પાસે રોપવામાં આવેલ 40 જેટલા વૃક્ષોને દૂર કરવામાં આવતા વૃક્ષોની સંભાળ રાખનાર જાગૃત પ્રકૃતિ પ્રેમીઓની લાગણી દુભાતા આણંદ નગરપાલિકા મામલતદાર તથા કલેક્ટરને અરજી આપી યોગ્ય તાપસ કરી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને તેવા પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ ઘટના અંગે માહિતી આપતા પ્રકૃતિ પ્રેમીએ જણાવ્યું હતું કે, વૃક્ષોનું જતન કરવું તે જરૂરી છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી સમયમાં વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર સાચવી રાખવાના ઉત્તમ સ્ત્રોત છે, જે કામ એરકન્ડિશન્ર કરે છે તેનાથી પાંચ ગણું કામ એક વૃક્ષ કરે છે. જે વાતાવરણને ઠંડુ કરે છે આ પરિસ્થિતિમાં વૃક્ષોને વધુમાં વધુ વાવી તેનું જતન કરવું જોઈએ. પરંતુ આણંદ ટીપી 10માં એક સંસ્થા પાસે આવેલ રોડની સાઈડમાં વાવેલ 40 જેટલા ગુલમોહોરના ઝાડને દૂર કરવામાં આવ્યા છે.
આણંદમાં 40 જેટલા ઉછરતા વૃક્ષોને કાપી નખાતા તંત્રને રજૂઆત - latest news of tree
આણંદમાં ટીપી 10માં બે વર્ષ અગાવ આણંદ નગરપાલિકા અને કલેક્ટરના સહયોગથી 2000 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જે વૃક્ષોની કાળજી રાખવાનું કામ સ્વૈચ્છિક રીતે સ્થાનિકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેની કાળજી પણ સર્વ સહયોગ થકી રાખવામાં આવતી હતી.
આ છોડનું જતન નાના-નાના બાળકો કરતા હતા. જે બે વર્ષ સુધી કરેલી માવજતનું પરિણામ હતું. આ વૃક્ષોને દૂર કરતા પ્રકૃતિને નુકશાન પહોંચું છે. સાથે-સાથે પ્રકૃતિ પ્રેમીઓની લાગણી દુભાય છે, જેથી આવનાર સમયમાં બીજા વૃક્ષોને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં અને આ સંસ્થા દ્વારા કરેલ કાર્ય સામે યોગ્ય પગલા લેવામાં આવે અને 40 વૃક્ષ સામે 80 વૃક્ષ વાવી તેનું જતન કરાવવા માંગ કરી હતી.
આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફીસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષન કરવું તે દરેકની જરૂરિયાત છે. આવી પરિસ્થિતિમાં જે સંસ્થાઓ વૃક્ષો વાવે તે તથા જ્યાં વૃક્ષો વાવવામાં આવ્યા હોય તે તમામે ધ્યાન રાખવું જોઈએ કે, તે વૃક્ષ ભવિષ્યમાં કોઈને અડચણરૂપ ન બને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બન્ને પક્ષે સમજૂતી બાદ આવા પગલાં લેવા જોઈએ જેથી કોઈની લાગણી દુભાય નહીં.