પ્રાપ્ત માહિતી પ્રમાણે, આણંદ SOG પોલીસે 26 માર્ચની સાંજે પેટલાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સીલરના ઘરમાંથી ચરસના જથ્થા સાથે તેને ઝડપી પાડતા પેટલાદ નગરમાં ભારે ચકચાર મચી હતી. પોલીસ દ્વારા અન્ય જથ્થો શોધી કાઢવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ હતી. SOG પોલીસને માહિતી મળી હતી કે, પેટલાદના મલાવ ભાગોળ પાસે રહેતા અને અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી નશીલા દ્રવ્યનો મોટાપાયે વેપાર કરે છે. જેના આધારે SOG પોલીસે છાપો મારતાં મુન્તજીમુદ્દીન કાઝી ચરસના 700થી 750 ગ્રામ જેટલા જથ્થા સાથે ઝડપાયો હતો.
કેટલોક જથ્થો કાઉન્સીલર દ્વારા તળાવમા નાંખી દીધાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેને લઈને પોલીસ દ્વારા બેટરીના પ્રકાશે આ જથ્થાને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કાઉન્સીલર મુન્નાભાઈ ચરસના જથ્થા સાથે ઝડપાયા હોવાની વાત પેટલાદ નગરમાં ફેલાઈ જતાં નગરજનોના ટોળેટોળા પેટલાદ શહેર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મુન્તજીમુદ્દીન કાઝીની ઝીણવટભરી પુછપરછ કરવામાં આવી હતી.