આણંદઃ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ 7એપ્રિલે નોંધાયો હતો. આણંદના પાધરીયા વિસ્તારની એન્ટરપ્રાઇઝ સોસાયટીમાં રહેતા અને પાલિકાના કર્મચારી મુખત્યાર પઠાણનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના બે દિવસ બાદ તા.9 એપ્રિલે હાડગુડ ગામમાં એક અને તેના બીજા દિવસે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ચારેય દર્દીઓને સારવાર પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં કોરોના હોટસ્પોટ બનેલા ખંભાત શહેરમાં કોરોનો પોઝિટિવનો પ્રથમ કેસ તા.11 એપ્રિલે અલીંગ વિસ્તારની મોતીવાલાની ખડકીમાં રહેતા સરોજબેન પટવાનો નોંધાયો હતો. જેના બીજા દિવસે આ વિસ્તારમાંથી વધુ બે પોઝિટિવ નોંધાયા હતા. દરમિયાન આંકલાવ તાલુકાના નવાખલ ગામે તા. 12 એપ્રિલે સલમાબેન ચૌહાણનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તા. 13 એપ્રિલે ખંભાતમાંથી વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ, પ્રથમ સાત દિવસમાં આણંદ, હાડગુડ, ખંભાત, નવાખલમાં 10 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.
જેમાંથી 1નું મૃત્યુ થયું હતું અને અન્ય સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.તા. 14 એપ્રિલના રોજ ખંભાતના કોલમપાડો વિસ્તારમાંથી સાગમટે 7 પોઝિટિવ નોંધાયા હતા. જેથી ખંભાતનો ચેપ અન્ય સ્થળોએ ન પ્રસરે તે માટે વહીવટીતંત્ર દ્વારા ખંભાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન, અવરજવર પર પ્રતિબંધ લાદયા હતા. પરંતુ લોકલ સંક્રમણના કારણે બે દિવસ બાદ તા. 16 એપ્રિલે ખંભાતના દંતારવાડામાંથી સાગમટે 6 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી ગઇ હતી.
બીજી તરફ ખંભાતવાસીઓમાં પણ કોરોનાના વધતા પગપેસારાના કારણે ફફડાટ વ્યાપ્યો હતો. તા. 16મીએ ઉમરેઠમાં પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ તા. 17 એપ્રિલે ખંભાતમાં 1 અને ઉમરેઠમાં પ્રથમ પોઝિટિવ નોંધાયો હતો. તા. 18 એપ્રિલે ઉમરેઠના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. તા. 19મી એ ખંભાતમાં વધુ એક અને 20 મીએ પેટલાદ તાલુકાના ઇસરામામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ તારીખે ખંભાતના સારવાર હેઠળના પોઝિટિગ દર્દીનું મોત થયું હતું. તા.21એપ્રિલે ખંભાતમાં 4, પેટલાદમાં 1 અને ઉમરેઠમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેના બીજા દિવસે ઉમરેઠ અને ખંભાતમાં વધુ 2-2 કેસ નોંધાયા હતા.