આણંદ જિલ્લામાં ઇસ્કોન સંસ્થા સહિત 13 રથયાત્રા રહેશે મોકૂફ - Aanand
રથયાત્રા એટલે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા. ભારત દેશમાં અનેક સ્થાનો પર ભગવાન જગન્નાથજી અષાઢી બીજના રોજ બહેન સુભદ્રા તથા ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિક0ળી ભક્તોને અલૌકિક દર્શન આપતા હોય છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે નીકળતી રથયાત્રા વિશેષ મહિમા ધરાવે છે પરંતુ વર્તમાન સમયને ધ્યાને લઇ કોરોના મહામારીના કારણે આ રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સાથે જ આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ નીકળતી રથયાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે ત્યારે વિદ્યાનગરના ઈસ્કોન મંદિર ખાતે રથયાત્રાની જાણો શું છે પરિસ્થિતિ...
આણંદઃ આણંદ જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે વિશેષ ધાર્મિક મહત્વ સાથે સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે અને અલૌકિક દર્શન આપે છે સાથે જ શહેરમાં અથવા ગામમાં નિજ મંદિરથી સવારે રથયાત્રા નું પ્રસ્થાન થાય છે અને શહેરના વિવિધ માર્ગો અને ગલીઓમાં ફરી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિજમંદિર પરત ફરતી હોય છે. જેમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થાથી મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે રથયાત્રા સાથે ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે, જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાય છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારી આદેશ મુજબ કોરોના વાઇરસના સંદર્ભે સાવચેતીના ભાગરૂપે આણંદ જિલ્લામાં આયોજન કરવામાં આવતી તમામ રથ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે આ નિર્ણયને ધાર્મિક સંસ્થાઓ તથા ભકતો આવકારી રહ્યાં છે.