- સી.વી.એમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- વિદ્યાર્થીઓને પગભર થવા થશે મદદરૂપ
આણંદઃ ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઇ-ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીને ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવતી નવીનતમ પદ્ધતિઓ અને ઇનોવેટિવ આઈડિયાને વ્યવસાયિક ઓપ આપવા માટે સંસ્થા અને સરકારના સંયુક્ત પ્રયત્નોથી કામગીરી હાથ ધરવામાં આવશે.
સી.વી.એમ યુનિવર્સિટીના છાત્રોને મળશે સ્ટાર્ટઅપ માટે સહાય શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
આ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં યુનીવર્સીટીઓએ પણ આમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી તેમનામાં રહેલી છૂટી આવડતને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. જેમાં વિદ્યાર્થીઓને મળવા પાત્ર સુવિધા ઉપલબ્ધ કરાવી તેમણે કરેલા સંશોધનને સ્ટાર્ટઅપ રૂપે શરૂઆત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવવું જોઈએ.
વિદ્યાર્થીઓને પગભર થવા થશે મદદરૂપ
આ અંગે માહિતી આપતા ચારૂતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલે ETV ભારતને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર થકી આગામી સમયમાં વિદ્યાર્થીઓને સંશોધન અને સ્ટાર્ટઅપ માટે પ્રેરિત કરી તેમને વિપુલ તકો પૂરી પાડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ભણતર બાદ વ્યવસાય ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે અને ભણતર બાદ વિદ્યાર્થીઓ નોકરી માટે નહીં પરંતુ નોકરીઓ ઉભી કરવા માટે સક્ષમ બને અને દેશમાં ચાલી રહેલા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ફાળો આપી શકે.