ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદની પાંચેય નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 24 ઓગસ્ટના રોજ યોજાશે - આંકલાવ

કોરોના મહામારી વચ્ચે આણંદની પાંચેય નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થવા જઈ રહી છે. જે કારણે આણંદ જિલ્લા કલેક્ટરે આગામી 24 તારીખે પાંચેય નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને 24 ઓગસ્ટના રોજ યોજવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે કારણે આણંદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

આણંદ
આણંદ

By

Published : Aug 17, 2020, 9:27 PM IST

આણંદઃ જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી 24 ઓગસ્ટના રોજ પાંચેય નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ નાયબ કલેક્ટરોના અધ્યક્ષપદે યોજવાનું જાહેરનામુ બહાર પાડ્યું છે. જેને લઈને પાંચેય નગરપાલિકામાં રાજકીય ચહલપહલ તેજ થઈ છે. જ્યારે પ્રમુખપદના દાવેદારો દ્વારા પોત-પોતાના પક્ષના મોવડીમંડળ સમક્ષ લોબીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વિદ્યાનગર-કરમસદમાં ભાજપ તો બોરીયાવીમાં કોંગ્રેસ અને આંકલાવમાં અપક્ષોનો દબદબો છે. જ્યારે ઓડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી યોજાવાની શક્યતા સેવાઈ રહી છે.

વિદ્યાનગર

વિદ્યાનગર નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું સાશન છે. આ વખતે પણ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ (બાબાકાકા)ની આગેવાની હેઠળ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો અને પ્રમુખપદે સોનલ પટેલની વરણી કરવામાં આવી હતી. સોનલ પટેલની મુદ્દત પુરી થઈ રહી છે અને આ ટર્મમાં પ્રમુખપદ OBC કેટેગરી માટે અનામત હોય પ્રમુખપદ માટે પ્રકાશ માછીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જ્યારે ઉપપ્રમુખપદ માટે મહેન્દ્ર પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

કરમસદ

કરમસદ નગરપાલિકામાં પણ ભાજપનું સાશન છે. આગામી અઢી વર્ષ માટે જનરલ બેઠક છે. જેથી પૂર્વ પ્રમુખ નિલેષ પટેલનું નામ પ્રમુખપદે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ઉપપ્રમુખપદે દર્શના પટેલની વરણી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બોરીયાવી

બોરીયાવી નગરપાલિકામાં કોંગ્રેસનું સાશન છે. 24માંથી 14 બેઠકો પર કોંગ્રેસ, 7માં અપક્ષ અને 3માં ભાજપનો વિજય થયો હતો. પ્રમુખપદ માટે સામાન્ય બેઠક હોય કોંગ્રેસના સભ્યોમાં પ્રમુખપદ અંગે આગામી સમયમાં ચર્ચા-વિચારણા કરીને નામ નક્કી કરવામાં આવશે.

આંકલાવ

આંકલાવ નગરપાલિકામાં પ્રમુખપદની જનરલ સીટ છે. અહીં 24 બેઠકોમાંથી 23 અપક્ષો ચૂંટાયા છે. જ્યારે એકમાત્ર બેઠક પર ભાજપના કાઉન્સેલર ચૂંટાયા છે. પાલિકામાં અપક્ષોનો દબદબો છે. જે કારણે અપક્ષોનું જૂથ આગામી સમયમાં પ્રમુખપદે કોને આપવું તે નક્કી કરશે. જો કે, પ્રમુખપદે શંભુ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

ઓડ

ઓડ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ભારે રસાકસીભરી બને તેવી શક્યતા છે. આ વખતે પ્રમુખપદ માટે મહિલા સામાન્ય બેઠક છે. ઓડ પાલિકાની 24 બેઠકોમાંથી 16માં કોંગ્રેસ અને 8માં ભાજપનો વિજય થયો હતો. આ સાથે જ કોંગ્રેસના પ્રશાંત પટેલ પ્રમુખ બન્યા હતા, પરંતુ તેમને પ્રમુખપદે રાજીનામુ આપીને પાંચ સભ્યો સાથે ભાજપમાં જોડાઈ જતાં ભાજપના ગોપાલસિંહ રાઉલજી પ્રમુખ બન્યા હતા.

પાંચેય સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના શહેરી વિકાસ ખાતામાં અરજી કરવામાં આવી હતી, પરંતુ શહેરી વિકાસ ખાતાએ આ અરજી ફગાવી દેતાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આમ, ઓડ પાલિકાની હાલની સ્થિતિ જોતાં ભાજપ પાસે ચૂંટાયેલા 8 વત્તા 5 કોંગ્રેસના એમ મળીને કુલ 13 સભ્યો સાથે બહુમતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 સભ્યો રહ્યા છે. એટલે ઓડ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ઘણા રાજકીય દાવપેચો ખેલાશે તેમ જણાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details