આણંદ: અમૂલ દ્વારા મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ અંગેનો એક મેસજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં ITI,10 ધોરણથી લઈ માસ્ટર ડીગ્રી સુધીની જુદી-જુદી જગ્યાએ ભરતી માટેની અરજી મંગાવ્યા હોવાની માહિતી હતી. જેથી અનેક લોકો એ નોકરી માટે એપ્લિકેશન કરવા પ્રયત્ન કર્યા હતાં, પરંતુ જાહેરાતમાં આપેલ વેબસાઈટ પર આવી કોઈ ભરતી પ્રક્રિયા શરૂ થઇ નહોતી. જેથી લોકોએ અમૂલનો સંપર્ક કર્યો હતો, ત્યારે અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર દ્વારા સમગ્ર બનાવ પર ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ મેસેજ ખોટો છે. અમૂલ દ્વારા હાલ કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી નથી.
અમૂલ ડેરીનો ખુલાસો, કહ્યું- ભરતી માટેની કોઈ જાહેરાત કરાઈ નથી
આણંદ જિલ્લામાં આવેલી વિશ્વવિખ્યાત ડેરીમાં ભરતી માટેની જાહેરાતનો ફોટો છેલ્લા બે ચાર દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેને લઇ અનેક લોકોએ અમૂલનો આ બાબતે સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો, ત્યારે હવે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. વધુ માટે વાંચો સમગ્ર અહેવાલ...
સમગ્ર મામલે ETV BHARAT દ્વારા અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, થોડા વર્ષો અગાઉ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે પેપર કટિંગનો ફોટો અત્યારે વાઇરલ થયો હતો. જે બાદ ઘણા લોકોએ અમૂલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ અંગે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અત્યારે અમૂલ ડેરીમાં કોઈ જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી નથી. આ જાહેરાત જૂની છે, જે અંદાજિત અઢી વર્ષ પહેલા પુર્ણ થઈ ગઇ છે. આ સાથે જ તેમણે પ્રજાને અપીલ કરી હતી કે, આ મેસેજ ખોટો હોવાથી ધ્યાને લેવો નહીં, અને આ ભરતીની ખોટી જાહેરાતથી ગેરમાર્ગે દોરાવું નહીં.