- BJPના બળવાખોરો થશે સસ્પેન્ડ
- 6 જેટલા બળવાખોરો ને કરવામાં આવશે સસ્પેન્ડ : જિલ્લા પ્રમુખ
- નવી પોલીસીએ પાર્ટીમાં બળવાખોરો ઉભા કર્યા
આણંદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આણંદ જિલ્લામાં BJP ની નવી પોલીસીથી ભારતીય જનતા પાર્ટીના 6 જેટલા બળવાખોરોને આગામી દિવસોમાં સસ્પેન્ડ કરવા અંગેની જિલ્લા પ્રમુખની જાહેરાતથી રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લામાંથી પાર્ટીના વિરોધમાં બળવો કરનાર 6 જેટલા સદસ્યોને આજે અથવા કાલ સવાર સુધીમાં સસ્પેન્ડ કરવાની વાતને લઇને ભારતીય જનતા પાર્ટીમાં ગણગણાટ શરૂ થયો છે.
ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને ભવ્ય જીત અપાવવા માટે કાર્યાલય શરૂ કરી રહી છે
એક તરફ જ્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભાજપે આણંદ જિલ્લામાં સત્તા હાંસલ કરવા માટે કમર કસી છે. દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને ભવ્ય જીત અપાવવા માટે કાર્યાલય શરૂ કરી રહી છે. ત્યારે બીજી તરફ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જિલ્લા પ્રમુખ દ્વારા બળવાખોરોને સબક શીખવવા માટે સસ્પેન્ડ કરવા અંગેની જાહેરાત કરી હતી. આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. નોધવું રહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પાર્લામેન્ટરી બોર્ડ એ વય મર્યાદા અને ત્રણથી વધુ ઉમેદવારી સત્તા હાંસલ કરનારા ઉમેદવારોને ફોર્મ ન ભરવા માટે જણાવવામાં આવ્યું હતું.
આણંદમાં BJP ના 6 બળવાખોરો થશે સસ્પેન્ડ: જિલ્લા પ્રમુખ આણંદ જિલ્લામાં ઘણા જૂના જોગીઓના પત્તા કપાયા
આણંદ જિલ્લામાં ઘણા જૂના જોગીઓના પત્તા કપાયા હતા. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના નશામાં ચકચૂર બનેલા પાર્ટીના ચહેરાઓ અચાનક ઘરભેગા થઈ જવા પામ્યા છે. ત્યારે પાર્ટીના નિર્ણયના વિરોધમાં જઈને બળવો કરનારા 6 જેટલા બળવાખોરોને સસ્પેન્ડ કરવા અંગે જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ દ્વારા કડક શબ્દોમાં જાણકારી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદમાંથી 2 બળવાખોરો, પેટલાદ તાલુકામાંથી 1 અને પેટલાદ શહેરમાંથી 2 સાથે જ ઉમરેઠમાંથી 1 બળવાખોરને પાર્ટીમાંથી આગામી દિવસોમાં સસ્પેન્ડ કરી શકે છે. ત્યારે જોવું રહ્યું કે, પાર્ટીની પોલીસીને કારણે પાર્ટીની સામે પડેલા આ કાર્યકરો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઇ રહે છે કે કેમ?