અમદાવાદ :ગુજરાતમાં 20 મે, 2020 સુધીમાં કોરોનાના કુલ 12,539 કેસ નોંધાયા છે, અને 749 દર્દીઓના મોત થયા છે. કોરોના પોઝિટિવમાંથી 5,219 દર્દીઓ સાજા થયા એટલે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે કુલ કોરોન્ટાઈન થયેલાની સંખ્યા 4,76,084 છે. આમ ભારતમાં કોરોના વાયરસના ફેલાવામાં મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી ગુજરાત ત્રીજા નંબરે છે. ગુજરાતના અમદાવાદમાં કુલ 9,216 કોરોના પોઝિટિવ દર્દીઓ સૌથી વધુ નોંધાયા છે અને અમદાવાદમાં 602ના મોત થયા છે. આ આંક ગંભીર ચિંતાજનક છે.
લો બોલો, એકતરફ કોરોનાની ગંભીર સ્થિતિ ને સરકારે છેડ્યું ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન ગુજરાત સરકારે લૉકડાઉન પાર્ટ-3 પછી ગુજરાતના બે ભાગ કરી નાખ્યા છે. અને નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનને ખોલી નાખ્યો છે. જેમાં શાળા, કૉલજ, જીમ, રેસ્ટોરન્ટ, હોટલ, AMTS, BRTS બંધ રખાયા છે. જ્યારે કેન્ટઈન્ટમેન્ટ ઝોનમાં ટોટલ લૉકડાઉન 31 મે સુધી સુધી લંબાવી દીધું છે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ગુજરાતના 31 લાખ લોકો છે. જે કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં દૂધ, દવાની દુકાન, શાકભાજી અન કરિયાણાની ચીજવસ્તુઓને જ છૂટ અપાઈ છે. સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે લૉક ડાઉન પાર્ટ-3 સુધી કડકપણે પાલન કરાવ્યું છે. તેમ છતાં આજ દીન સુધી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. ટેસ્ટિંગ ચાલી રહ્યા છે, પણ ટેસ્ટિંગની સ્પીડ ઘટી છે, પણ રાજ્ય સરકાર આ મામલે સ્વીકારવા તૈયાર નથી. અન્ય રાજ્યોની સરખામણીએ ટેસ્ટિંગ ઓછા છે. બીજુ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મુંબઈ, દિલ્હી પછી અમદાવાદ ત્રીજા નંબરે આવી ગયું છે. આટલી ગંભીર સ્થિતિ વચ્ચે પણ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરી છે.
20 મેના રોજ સીએમ વિજય રૂપાણીએ ફેસબૂક લાઈવમાં જણાવ્યું હતું કે, કોરોના સામેના આ લાંબા યુદ્ધને સૌએ સાથે મળીને લડવા આ સમગ્ર લડાઇને જન જનની લડાઇ બનાવવા અને પોતાના પ્રિય પરિવારજનો સમા સૌ ગુજરાતીઓની સુરક્ષા માટે ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરું છું. એક સપ્તાહનું આ અભિયાન ગુરૂવાર તા.21 મેથી તા.27 મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમ્યાન લીધેલા સંકલ્પનું કાયમ સૌએ પાલન કરવાનું રહેશે. ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અન્વયે સૌને ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણ સામે રક્ષણની ખાસ અપીલ કરી છે.
વિજયભાઇ રૂપાણીએ જે ત્રણ સંકલ્પો ‘હું પણ કોરોના વોરિયર’ અન્વયે લેવાની અપીલ કરી છે, તેમાં (1) પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેનું ખાસ ધ્યાન રાખવા (2) માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નિકળવા તથા (3) ‘દો ગજ કી દૂરી રાખવા’ એટલે કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું અનુપાલન કરવા આગ્રહ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષભાઈ દોશીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને તેમાંય મુંબઈ, દિલ્હી અને પછી અમદાવાદ ત્રીજા નંબરનું શહેર બન્યું છે. ત્યારે કોરોના દર્દીઓને સારી સારવાર મળે તેની ચિંતા કરવાને બદલે સીએમ વિજયભાઈ રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરી છે. પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે ગુજરાતની જનતાનું ધ્યાન બીજે દોરી રહી છે. સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1નો વિવાદ તો હજી પત્યો નથી, ત્યાં આવા અભિયાનની જાહેરાત કરાઈ રહી છે. ગરીબ અને મધ્યમવર્ગને બે ટાઈમ જમવાનું મળતું નથી, તેમને સીધી સહાય આપવાને બદલે આવા અભિયાનની જાહેરાતો લોકોને ગેરમાર્ગે દોરવા કરાઈ રહી છે.
લો બોલો, એકતરફ કોરોનાની ગંભીર સ્થિતિ ને સરકારે છેડ્યું ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન - ભરત પંચાલ, બ્યૂરો ચીફ, અમદાવાદ