ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા - જમાલપુર માર્કેટ

અમદાવાદ શહેરમાં છેલ્લા દસ-પંદર દિવસમાં વિવિધ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે માલને નુકસાન થવાથી શાકભાજીનું હબ ગણાતું જમાલપુર માર્કેટ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે. જેના કારણે માલ ઠાલવવામાં ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ચોક્કસ જગ્યા ન હોવાના કારણે વેપારીઓને ફાંફા મારવા પડે છે. આ બધા કારણોસર શાકભાજી બમણા ભાવે વેચાઇ રહ્યા છે.

vegetable prices
શાકભાજીના ભાવમાં વધારો

By

Published : Sep 1, 2020, 3:29 PM IST

અમદાવાદઃ શહેરમાં છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ભાવ આસમાને ગયા છે. જેના કારમે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. કોરોના સંક્રમણને લઇને જમાલપુર માર્કેટ બંધ કરાયા બાદ શહેરમાં શાકભાજી લાવવું મુશ્કેલ બની રહ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી શાકભાજી લઇને આવતા ખેડૂતો માટે સરળતા પડે તેવી કોઇ ચોક્કસ જગ્યા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. શહેરમાં શાકભાજી સપ્લાયની આખી ચેન વિખાઈ ગઈ છે. આ સ્થિતિમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શાકભાજીના મનફાવે તેવા ભાવ બોલાઇ રહ્યા છે. જેના કારણે લોકો પણ શાકભાજીની ખરીદીમાં ખુલ્લેઆમ લૂંટાઇ રહ્યા છે અને ગરીબ- મધ્યમ વર્ગ માટે બે ટાઇમ શાકભાજી ખાવુ કપરું બની રહ્યું છે.

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો ગૃહિણીઓના બજેટ ખોરવાયા

શાકભાજીમાં ભાવ વધારો

દસ દિવસ પહેલા હોલસેલમાં 6 થી 10 રૂપિયે કિલો મળતા ભીંડા હાલમાં 40 થી 50 રૂપિયે કિલો મળી રહ્યા છે. તેવી જ રીતે ગીલોડા 10 થી 20ના હવે 50 થી 80 થયા છે. ગવાર 20 થી 35ના 50 થી 90 થયા છે. કારેલા 10 થી 15ના સીધા 30 થી 40 થયા છે. ધાણા જે પહેલા 15થી 30માં મળતા હતા તે હાલમાં 100 થી 200 રૂપિયે કિલો હોલસેલમાં મળી રહ્યા છે. ફૂલાવર 10 થી 20ના 40 થી 60 ભાવ થઇ ગયા છે. દરેક શાકભાજી મોંઘુ થઇ ગયું છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ આપવા છતાંય માલની ગુણવત્તા મળતી નથી. 20 કિલોના શાકભાજીમાં 5 થી 7 કિલો માલ સડેલો નીકળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અમદાવાદમાં માલ ઠાલવવાનું ચોક્કસ સ્થળ ન હોવાથી ખેડૂતોએ તેમનો માલ લઇને રખડવું પડે છે.

એક તરફ ભારે વરસાદના કારણે માલને નુકસાન થયું છે. ખેતરોમાં જ માલ સડી ગયો છે. તેથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હાલમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવતા શાકભાજી માટે યોગ્ય અને તમામને અનુકુળ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે શહેરમાં વસતા 60 લાખથી વધુની જનસંખ્યાને હાલમાં મોંઘા ભાવે શાકભાજી ખાવાની ફરજ પડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details