અમદાવાદ : ગાંધીનગર પાસે આવેલા નાનકડા કોબા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવાના સૂચનને અનુસરવા માત્ર ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પંચાયત દ્વારા એક અનોખી શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનવાના સૂચન મળતાની સાથે જ કોબા ગામના સરપંચ યોગેશભાઈ નાઈ તેમજ ગામના આગેવાનો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવેથી આપણા ગામના દરેક પ્રકારના શાકભાજી, જે અત્યાર સુધી અમદાવાદમાં વેચાણ અર્થે જતા હતા,તે આજથી બંધ કરવામાં આવે છે. અને દરેકને પોતાના ખેતરમાંથી વેચાણ કરવાનું રહેશે.
આત્મનિર્ભર થવાના વડાપ્રધાનના સૂચનથી કોબા ગામની અનોખી પહેલ
હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી પીડિત છે. અત્યાર સુધીમાં 42 લાખ લોકો વિશ્વભરમા કોરોના પોઝિટિવથી સંક્રમિત થયેલા છે, અને 3 લાખ લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે.ત્યારે દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જ જાય છે. તેવામાં સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકોડાઉનના કડક અને ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ જ કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ માટે શાકભાજી આપણા ગામના દરેક વ્યક્તિને તાજુ અને શુદ્ધ ચોખ્ખા પાણીમાં ઉગાડેલા મળી રહે સાથે સાથે બીજો ઉદ્દેશ તે પણ છે કે, અમદાવાદથી લાવવામાં આવેલા શાકભાજીમાં કેટલાય કોરોના સ્પ્રેડરના હાથ અડેલા હોય. તેના કરતા આપણા ગામના શુદ્ધ ચોખ્ખા પાણીમાં શાકભાજી જ ખરીદવાનું રહેશે. અત્યાર સુધીમાં જમાલપુર તેમજ કાલુપુરથી જે શાકભાજી લાવવામાં આવતા હતા, કે જે સાબરમતીના કાળા નદીના પાણીમાં ધોવાયેલી હોઈ શકે. ત્યારે હવેથી આપણા ગામના શાકભાજી ખાવાથી હેલ્થ પણ સારી રહે અને ગામના ખેડૂત પણ આત્મનિર્ભર બનાવવાનો સપોર્ટ મળી રહે તે ખૂબ જરૂરી હોવાથી આ સૂચનાનું તાત્કાલિક ધોરણે પાલન કરવામાં આવ્યું છે.આ સાથે સાથે મહામારીને પણ નાથી શકાય.તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જ્યારે આત્મનિર્ભરતાના આવા સુંદર પ્રયાસના સૂચનને કોબા ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણયને અમલમાં લાવીને ભારતભરમાં કદાચ આત્મનિર્ભરતાનો અમલ કરનાર સૌપ્રથમ ગામ હોઈ શકે છે.