અમદાવાદ : શહેરમાં મોડી રાત્રીના ખાનપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થતાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વો બેફામ, સતત બીજી વખત થયો પથ્થરમારો
શહેરમાં પોલીસની જાણે કોઈ ધાક રહી જ ન હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના શાહપુરમાં લૉકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટના હજુ થંભી નથી ત્યાં ફરી એકવાર બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અમદાવાદના મધ્યમાં ખાનપુર વિસ્તારમાં લગભગ 10.30 કલાકની મોડી રાત્રે બે જૂથ વચ્ચે નજીવી બાબતે મામલો બીચક્યો હતો. ત્યારબાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં શખ્સોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારાની ઘટના બનતા જ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસકર્મીઓ પહોંચ્યા હતાં.
હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને મળતી માહિતી અનુસાર પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. ખાનપુરમાં ભરેડિય વાસ પાસે આ ઘટના સર્જાઇ હતી. જેમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું. જોકે હાલ પોલીસે ચારથી વધુ લોકોની અટકાયત કરી છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.