અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસનો કાળો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં પણ દિવસે-દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના કોટ વિસ્તારમાં લોકડાઉન પાર્ટ-3માં જડબેસલાક બંદોબસ્ત અને બેરીકેટ લગાવી બિનજરૂરી બહાર નીકળતા વાહનો સામે કડકાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોરોના વાઇરસના કાળા કહેરને રોકવા ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. લોકડાઉન પાર્ટ 3 ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદના કોટ વિસ્તારને તમામ બાજુથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે. તમામ પોઈન્ટ પર પોલીસે મંડપ બાંધી તમામ વાહનનો બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
કોટવિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત, તમામ વાહનોનું સઘન ચેકિંગ
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં દિવસે-દિવસે સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે હવે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.
શહેરના વીજળીઘર વિસ્તાર પાસે કારંજ પોલીસ સ્ટેશનના PI દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરી બિનજરૂરી રીતે નીકળતા જણાય તો તેમની સામે કડકાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપોળ પાસે ફરજ બજાવતા PSI દ્વારા બિનજરૂરી રીતે નીકળતા વાહનચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે અને તેઓ ઘરે રહે સુરક્ષિત રહે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.
લોકડાઉન પાર્ટ-3માં પોલીસે નવો એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. CID ક્રાઇમના ADGને સુપરવિઝનમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારે સેકટર 1-2 બન્ને દ્વારા કોટવિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત અને કોઈ પણ વાહન બિનજરૂરી રીતે બહાર ન નીકળે તેનુ ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ રોડ પર બેરીકેટ લગાવી તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે સાથે હેલ્મેટ ન પહેર્યું હોય તો પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.