જસ્ટિસ આર.પી. ધોલરીયાએ હાર્દિકની અરજીને સાંભળવાનો ઇન્કાર કર્યો છે, ત્યારે હવે 15 માર્ચે અન્ય કોઈ જજ સમક્ષ હાર્દિકની અરજી મુકવામાં આવશે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી લડવા સંદર્ભે હાર્દિકની અરજીને સાંભળવા જજે કર્યો ઇન્કાર
અમદાવાદઃ હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાને મોકૂફ રાખવા બાબતે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ આર.પી. ધોલરીયાએ આ મેટરને નોટ બીફોર મી એટલે કે સાંભળવાનો ઇન્કાર કર્યો હોવાની વિગતો સામે આવી છે.
રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે તેવું નિવેદન આપ્યું છે, ત્યારે લોકસભાની ચૂંટણી વિના અવરોધ લડી શકાય તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
હાર્દિકની વિસનગરમાં પ્રવેશબંધી મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હાર્દિક પર વિસનગર અને આસપાસના વિસ્તારમાં ભડકાઉ ભાષણ આપી ચુક્યો હોવાથી મહેસાણા જિલ્લામાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી નથી. વર્ષ 2016માં હાર્દિક પટેલે સ્થાનિક ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરીને હોબાળો કર્યો હતો.