અમદાવાદ: આજે રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રાજ્યના 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 8.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તેને લઈને પોલીસ અને તંત્ર દ્વારા ખાસ પ્રકારનું આયોજન પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું.
ખાસ તકેદારી રખાઈઃ તલાટીની પરીક્ષામાં 3400 થી વધુ જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ રહી હોય અને કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય અને પેપર લીકની ઘટના ન બને તેના માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત અને પરીક્ષાની તૈયારી કરવામાં આવી હતી. અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીઓ માટે પણ પોલીસ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
ચેકિંગ કરાયું હતુંઃ તમામ પરીક્ષાઓને ફ્રિસન્કિંગ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો હતો. હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન અને સાડી કાંડા ઘડિયાળ સિવાયની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતા. અમદાવાદમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે 422 કેન્દ્રો પર દોઢ લાખ ઉમેદવાર પરીક્ષા આપી હતી. જ્યારે UGC NEET ના 22 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.