ગુજરાત

gujarat

ETV Bharat / state

એક જ દિવસે મતગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 23 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર થશે - one day vote count petition

સુપ્રીમ કોર્ટે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી એક જ દિવસે યોજવાની અરજી ફગાવી દીધી છે. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે પણ મતગણતરી એક જ દિવસે યોજવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. હવે 23 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Supreme Court
Supreme Court

By

Published : Feb 22, 2021, 3:31 PM IST

  • એકસાથે મતગણતરી કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
  • ગુજરાત હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો
  • 23 ફેબ્રુઆરીએ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી યોજાશે
  • 2 માર્ચના રોજ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાશે

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની તારીખ અંગેના ચૂંટણીપંચના પરિપત્રને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જો કે, હવે સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દેતા ચૂંટણીપંચની જાહેરાત પ્રમાણે જ મતગણતરી યોજાશે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે બીજા તબક્કામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 02 માર્ચના રોજ થશે.

ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ

આ અગાઉ ચૂંટણીપંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણીપંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત સંસ્થા છે અને જો મતગણતરી અલગ અલગ દિવસે થાય તેનાથી કોઈનો બંધારણીય અધિકાર છીનવતો નથી. અરજદારોએ પોતાનો રાજકિય બળ લાવવા માટે અરજી કરી હોવાની વાત પણ કરવામાં આવી છે. અલગ અલગ સમયે મતગણતરી થવાથી ચૂંટણી પ્રભાવિત થશે, તેવી અરજદારની પૂર્વ ધારણા પર કોર્ટ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની જરૂરિયાત પણ અલગ અલગ હોવાની દલીલ કરવામાં આવી હતી.

અગાઉ હાઇકોર્ટે પણ ફગાવી હતી અરજી

ગુજરાત હાઇકોર્ટે આ અગાઉ અલગ અલગ દિવસે મતગણતરીના નિણર્ય મુદ્દે રાજ્યના ચૂંટણીપંચ અને રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, મહાનગરપાલિકા અને પંચાયતની મતગણતરી એક જ તારીખે રાખવાની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. આ ચૂંટણીની મત ગણતરી પણ બે અલગ અલગ દિવસે થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 6 મહાનગરપાલિકાઓના ચૂંટણીના પરિણામ માટે મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચ રોજ હાથ ધરવાના ચૂંટણી પંચના આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, તેવી ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details