લાલ દરવાજા પાસે 1800 વર્ષ જુના પંચનાથ મહાદેવ મંદિરના મહંત અશોક વાઘેવાએ જૂની જામા મસ્જિદ ખાતે સ્નેહમિલનમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરીને જણાવ્યું હતું કે, મેં આજ દિવસ સુધી મસ્જિદમાં પ્રવેશ કર્યો ન હતો, પરંતુ જ્યારે આ કાર્યક્રમ અંગે મને આમંત્રણ મળ્યું અને ત્યારે હું અહીં આવ્યો. આ મસ્જિદની નકશી અને કોતરણી જોઈને હું ઘણો પ્રભાવિત થયો છું. બધા જ ધર્મમાં સમાન વાતો છે અને એમાં પણ માનતાની વાત છે. જે વ્યક્તિ ધર્મને સાચા અર્થમાં સમજશે એ કટ્ટરવાદ તરફ વળશે નહીં. બધા જ ધર્મોમાં ગરીબોને અને જરૂરિયાતમંદોને મદદ કરવા અંગે વાતચીત કરવામાં આવી હતી. આગામી સમયમાં મંદિરમાં પણ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે.
અમદાવાદની જામા મસ્જિદમાં સ્નેહમિલન, ધર્મગુરૂઓએ કોમી એકતાનો આપ્યો સંદેશ
અમદાવાદ: દેશમાં કોમી એકતા બાંધી રાખવા તેમજ તેને જાળવવા માટે ઈસ્લામ ધર્મ વિશે અન્ય ધર્મના લોકોને માહિતગાર કરવા જોઈએ. કંઈક આવો જ કાર્યકર્મ અમદાવાદમાં આવેલી જૂની જામા મસ્જિદ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઈસ્લામ સહિત હિન્દૂ, જૈન તેમજ ખ્રિસ્તી ધર્મગુરૂઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં આવેલા લોકોએ અહિંસા, માંસાહાર, ટ્રિપલ તલાક તેમજ આતંકવાદ સહિતના મુદ્દે મુસ્લિમ ધર્મના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં મસ્જિદના ઈમામ મોહમ્મદ અંસારી સાહેબે જણાવ્યું કે, આ પ્રાકરના કાર્યક્રમ વારંવાર યોજવા જોઈએ. ઈસ્લામ ધર્મના મૂલ્યો વિશે અન્ય ધર્મના લોકોને માહિતગાર કરવાથી સમાજમાં કોમી એકતા અને ભાઈચારો વધશે જેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ધર્મગુરૂઓનો એક જ સંદેશ છે કે, કોઈપણ ધર્મ લોકોને ગેરમાર્ગે દોરતું નથી. લોકોને ધર્મ અને કટ્ટરવાદ વચ્ચેની ભેદરેખા સમજવાની જરૂર છે.