અમદાવાદઃ ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત ગાયકવાડના નામને લઇ ગંભીર ભૂલ કરવામાં આવી છે. સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. જેને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છબરડો થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ અનેક પુસ્તકોમાં ગંભીરમાં ગંભીર છબરડા સામે આવ્યા છે. પાઠ્યપુસ્તક મંડળે અગાઉ કરેલી ભૂલ ઉપર જો એક નજર કરીએ તો તેનું પણ એક લાંબુ લચક લીસ્ટ જોવા મળે છે.
પાઠ્ય પુસ્તકના છાપકામમાં થયેલી ગંભીર ભૂલો....
- ધોરણ 12ના સંસ્કૃતના પુસ્તકમાં રાવણને બદલે રામે સીતાનું અપહરણ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
- ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યના નકશામાં 33ના બદલે માત્ર 26 જિલ્લાઓનો જ સમાવેશ કરાયો
- ધોરણ 9ના હિન્દીની પુસ્તકમાં હેવાન ઈસુ શબ્દ લખાતા ભારે વિવાદ સર્જાયો હતો
- ધોરણ 4 ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બીમારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.