વિરમગામ: તાજેતરમાં જિલ્લા અને તાલુકા પંચાયતે નગરપાલિકાઓની સામાન્ય ચુંટણી માટે શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવા અંગે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ જીલ્લાની વિરમગામ નગરપાલિકાના કુલ નવ વોર્ડમાં 36 સીટોની બેઠકોમાં વોર્ડ નંબર 2, 3, 4 માં અનુ.જાતિ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં વર્ષોથી અનુ.જાતિ માટે અનામત સીટ ફાળવવામાં આવતી હતી.પરંતુ 2015માં વોર્ડ 1માં અનુ.જાતિ માટે એક સીટ અનામત રહેતી હતી. તે રદ કરવામાં આવી છે. જેથી અનુ.જાતિની કુલ ચાર સીટ અનામત હતી. જેમાંથી એક સીટ રદ થતા ત્રણ સીટ અનામત રહી છે.
વિરમગામના અનુસુચિત જાતિ સમાજે નાયબ કલેકટર અને ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર
વિરમગામના અનુસુચિત જાતિ સમાજે નાયબ કલેકટર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. નગરપાલિકા વોર્ડ નં. 1 અને 9માં અનુસુચિત જાતિ અનામત સીટ જાહેર કરવાની માગ કરી હતી.
આ બાબતે વર્ષ 2015માં પણ રજૂઆત કરવામાં આવી હતી. જે ધ્યાને લેવામાં ન આવતા વિરમગામ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ કિરીટ રાઠોડ, ગિરીશ જાદવ, હર્ષદ પરમાર, માધુભાઈ પરમાર, નવઘણ પરમાર, રાજુભાઇ, મહેશ સોલંકી, કાળુભાઇ, વિનોદભાઈ, લાલભાઈ, આલજીભાઈ સહિતના 25 જેટલા પ્રતિનિધિઓએ નાયબ કલકેટર અને ચીફ ઓફિસર તેમજ કલેકટર અને રાજ્ય ચૂંટણી પંચને સંબોધીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જેમાં વિરમગામ નગરપાલિકામાં વર્ષ 2015માં નવું સીમાંકન થયું, જેમાં બાજુના ગામો હાસલપુર (શેરેશ્વર) અને ભોજવા ગ્રામ પંચાયતોને પણ વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બન્ને ગામોમાં ગ્રામ પંચાયતમાં અનુ.જાતિની વસ્તીની અનામત સીટ હતી. પરંતુ નગરપાલિકામાં સમાવેશ બાદ આ બન્ને ગામોને જે વોર્ડમાં સમાવવામાં આવ્યા તે વોર્ડમાં એક પણ અનુ.જાતિની સીટ જાહેર ન કરીને અન્યાય કરવામાં આવ્યો છે.
વિરમગામ નગરપાલિકાના અનુ.જાતિના મતદારોએ વિરોધ નોંધાવી વોર્ડ 1 અને 9માં અનુ.જાતિના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં અનુ.જાતિ માટે અનામત સીટ જાહેર ન કરતા અનુ.જાતિના મતદારોએ વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્ર પાઠવી અનામત સીટ જાહેર કરવા રજૂઆત કરી હતી.