અમદાવાદઃ જિલ્લામાં લૉકડાઉન બાદ ગ્રામ્ય વિસ્તારમાં વહીવટીતંત્રએ આપેલી છુટછાટોને પગલે ઉદ્યોગો ફરી ધમધમતા થયા છે. 20 એપ્રિલ બાદ લૉકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 113થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં 48 જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓ સંબંધિત છે, જ્યારે 65 જેટલા ઔદ્યોગિક એકમો અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓને લગતા છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગો ફરી ધમધમતા
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસ મહામારીને કારણે લૉકડાઉન લાદવમાં આવ્યું છે, ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી ઉદ્યોગોની શરુઆત કરવામાં આવી છે.
જો વિસ્તારની દ્રષ્ટીએ જોઈએ તો સાણંદ તાલુકામાં 58, ધોળકામાં 18, કેરાલામાં 17 અને માંડલ તાલુકામાં 7 ઔદ્યોગિક એકમો પુન: શરુ થયા છે. આ માટે વહીવટીતંત્રએ જરુરી પાસની વિતરણ વ્યવસ્થા પણ શરુ કરી છે. જિલ્લા વહીવટીતંત્રએ આ માટે કુલ 7,963 મુવમેન્ટ પાસ ઈસ્યૂ કર્યા છે, જેમાંથી 335 જેટલા પાસ બાંધકામ ઉદ્યોગના સંદર્ભમાં અપાયા છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અન્ય કામગીરી માટે પણ પાસ-વિતરણ વ્યવસ્થા જારી છે. જે અંતર્ગત ગુરૂવારે 2,141 પાસ ઈસ્યૂ કર્યા હતા. આમ, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ ઓનલાઈન પાસ સિસ્ટમ શરુ કરી ત્યારથી આજ દિન સુધીમાં કુલ 57,750 પાસ ઈસ્યૂ કર્યા છે.