જેમાં ADC બેંકના ચેરમેન વતી વકીલ એસ.વી. રાજુએ દલીલ કરતા કહ્યું કે, ક્રિમિનલ કાર્યવાહી CRPCની કલમ 436 અને 437 મુજબ હોવાથી જામીન લેવા પડે, જો કે, તેમણે રાહુલને જામીન આપવા મુદ્દે કોઈ વિરોધ ન કરતા 15 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ સુનાવણી 7મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ADC બદનક્ષી કેસઃ રાહુલ જામીન પર, જાણો શું હતો સમગ્ર કેસ? ADC બેન્ક બદનક્ષી કેસમાં નિવેદન આપવા આવેલા રાહુલ ગાંધીને મેજિસ્ટ્રેટ એન.બી. મુન્શીએ પૂછ્યું કે, તમારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે, શું તમે એનો સ્વીકાર કરો છો કે કેમ મુદ્દે જવાબ આપતા રાહુલે કહ્યું કે, મારા પર જે આક્ષેપ લાદવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. રાહુલ ગાંધીને જામીન આપવા બાબતે બંને તરફે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી તરફથી દલીલ કરાઈ હતી કે, સમન્સ ઇસ્યુ કરાયું છે, એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. જેથી જામીન લેવાની કોઈ જરૂર લાગતી નથી. જેની સામે ADC રજુઆતમાં એડીસીના વકીલે કહ્યું કે, જામીન માટે રજૂઆત કરવી પડે ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લઇ શકે છે. જામીન મેળવવા રાહુલ તરફથી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીના જમીનદાર બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ મુંબઈ, પટના સહિતના શહેરોમાં બદનક્ષીના કેસમાં કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
ફોર્મમાં ભૂલ હોવાનું કોર્ટે રાહુલે જાણ કરી
રાહુલ ગાંધીની જમીન અરજી માટેના પ્લી રેકોર્ડ ફોર્મમાં તુગલકાબાદ અને પાર્લામેન્ટ શબ્દમાં ભુલ હોવાથી રાહુલ ગાંધીએ કોર્ટે જાણ કરી હતી. ત્યારબાદ કોર્ટે નવા ફોર્મમાં ભૂલ સુધારી હતી. રાહુલના વકીલ પંકજ ચંપાનેરી વતી કેસના તમામ દસ્તાવેજ અંગ્રેજીમાં મેળવવા કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેના પર કોર્ટ આગામી દિવસોમાં ચુકાદો આપશે.
કોર્ટમાં રજાનો માહોલ એન્ડ હોબાળો
રાહુલ ગાંધી મેજિસ્ટ્રેટ એન.બી. મુનશીની કોર્ટમાં હાજર થયા ત્યારે 200થી વધારે વકીલો કોર્ટમાં હાજર હતા. રાહુલને જોવા માટે વકીલો કોટરૂમની ખુરશી ઉપર ચડી ગયા હતા અને કોર્ટના દરવાજા બંધ કરવાની પોલીસની ફરજ પડી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે મેજિસ્ટ્રેટે તમામ વકીલોને શાંતિની અપીલ કરી અને ત્યારબાદ પોલીસ દ્વારા કેટલાક વકીલોને કોટરૂમની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ હતી
રાહુલ ગાંધીને જોવા માટે મેટ્રો કોર્ટના આશરે 200 જેટલા વકીલો પોતાનું કામકાજ છોડીને દોડી આવ્યા હતા. જેથી અન્ય કોર્ટની કામગીરીને પણ અસર પડી હતી. મેટ્રો કોર્ટની આસપાસના વિસ્તારમાં ભારે ભીડ જોવા મળતા ચૂંટણી સમયની પરિસ્થિતિ સર્જાઇ હતી. રાહુલને સુનાવણી આશરે એકાદ કલાક જેટલી ચાલી હતી
રણદીપ સુરજેવાલાને હાજર થવા ફરીવાર સમન્સ પાઠવાયો
નોટબંધી વખતે ADC બેન્ક વિશે વિવાદાસ્પદ પ્રેસ કોંફેરેન્સ યોજવા બદલ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને પણ અગાઉ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હતો. જોકે સમન્સની બજવણીના થતા ફરીવાર સમન્સ પાઠવવામાં આવ્યો અને આગામી 7મી સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે કોર્ટમાં સુરજેવાલાને હાજર થવાનું ફરમાન કર્યું છે.
અગાઉ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ગત 27મી મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જોકે 27મી મેના રોજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટ પાસેથી હાજર ન થવાની મુક્તિ માંગી હતી. જેને ધી-કાંટા મેટ્રો કોર્ટ મેજીસ્ટ્રેટ એ.કે ગઢવીએ માન્ય રાખતા રાહુલને 12મી જુલાઈના રોજ હાજર થવાનો ફરમાન કર્યો હતો.
અગાઉ રાહુલ ગાંધી વતી વકીલ પંકજ ચાંપાનેરીએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, 27 મે 1964ના રોજ મૃત્યુ પામેલા દેશના પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધી સમન્સ પ્રમાણે કોર્ટમાં હાજર રહી શકશે નહી. જેથી તેમને 27 મેના હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવે. જે માંગને કોર્ટે સ્વીકારી લીધી હતી.
ADC બેન્ક મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થતો હોવાનું લાગતા ગત 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27મી મેના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ADC બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા 745 કરોડ રૂપિયાનો બદનકક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.
અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટ્વીટમાં ઓઅણ બેંકને કૌભાંડી ગણાવી હતી. જે વાંચીને અમે અમારૂ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેન્કમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો.
ADC બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, નોટબંધી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ADC બેન્ક પર ખોટી રીતે રૂપિયા 700 કરોડ બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. એટલું જ નહિ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવતા તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો.
નોટબંધી વખતે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, ADC બેન્કે 5 દિવસમાં આશરે 745 કરોડ રૂપિયા બદલી આપ્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને અધ્યક્ષ અમિત શાહ ADC બેન્કના નિર્દેશક હોવાથી માત્ર પાંચ દિવસમાં 11 જિલ્લાની ADC બેન્કમાં 745 કરોડ રુપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી.