અમદાવાદ: હત્યાના આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ
અમદાવાદ: શહેરના સરસપુર વિસ્તારમાં સોમવારે 42 વર્ષીય વ્યક્તિની અદાવત રાખીને એક શખ્સે હત્યા કરી હતી. આ હત્યા બાદ ગુનેગાર ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસના નરમ વલણને લઈને લોકોએ પોલીસ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અને ઉગ્ર રીતે પોલીસનો વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી લોકો સાથે વાતચીત કરીને આરોપીને પકડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.
સરસપુર વિસ્તારમાં આવેલઆ ઇટવાળા સર્કલ પાસે કેન્દ્રવાડી આવેલી છે, જ્યાં ચંદ્રકાન્ત ઈશ્વર પરમાર નામના 42 વર્ષીય વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ સિક્યુરિટીમાં નોકરી કરે છે, ત્યારે બિમાર હોવાથી સોમવારે દવા લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાનમાં દિક્ષીત ઉર્ફે લડડું શ્રીમાળી નામનો ઈસમ પોતાની પાસે અકે હથિયાર લઈને આવ્યો હતો અને અદાવત રાખીને ચંદ્રકાન્ત પરમાર પર હુમલો કર્યો હતો. જેમાં ચંદ્રકાન્ત ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.