ગાંધીનગરઃ પાટનગર પાસેથી પસાર થતી સાબરમતી નદીને મરેલાં પશુની જેમ સમડી ત્રાટકતી હોય તે રીતે ભૂમાફિયાઓ ત્રાટકી રહ્યા છે મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતીનું ખનન કરવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારે સાબરમતી અલુવા વચ્ચે આવેલી રેતીની લીઝ પાસે ખાણ ખનીજ વિભાગની એક કાર જઈ રહી હતી સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા પણ આ વિભાગની એક કાર આવી હતી જેમાં કેટલાક કર્મચારીઓ બેઠેલા હતા એ લોકો દ્વારા મોટી રકમનો તોડ કરવામાં આવ્યો હતો
સાદરા સાબરમતી નદીમાં તોડ કરવા ગયેલી ખાણ ખનીજ વિભાગની કારને ઉભી પૂંછડીએ ભગાડી - gandhinagar
ગાંધીનગરના સાદરાથી લઈને શાહપુર સુધી ખનીજ માફિયાઓ નદીમાંથી બેફામ રેતખનન કરી રહ્યાં છે. પરંતુ ખાણ ખનીજ વિભાગ જાણે કંઇ બન્યું જ નથી તે રીતે વિઝીટ મારીને સબ સલામતના દાવા કરી રહી છે. ત્યારે આજે શુક્રવારે ખાણ ખનીજ વિભાગની એક કાર સાદરા અલુવા વચ્ચે આવેલી લીઝ તરફ જઈ રહી હતી. તે દરમિયાન કેટલાક જાગૃત ગ્રામજનોએ પીછો કરતા કર્મચારીઓ કાર લઈને ઊભી પૂંછડીએ ભાગી ગયાં હતાં.
ખાણ ખનીજ વિભાગની ગાડી આજે પણ તોડ કરવાના ઇરાદે જ આવી હતી. તે દરમિયાન કેટલાક નીચે સંતાઈને વીડિયો બનાવી રહ્યા હતા. આ સમગ્ર બાબત કારમાં બેઠેલા એક કર્મચારીને ધ્યાનમાં આવી જતા કારચાલકને ઈશારો કરીને કારણે ઊભી પૂંછડીયે ભગાડી હતી. જેની પાછળ ગ્રામજનો પણ પડ્યા હતા. પરંતુ આના કારણે કાર સુધી પહોંચે તે પહેલાં જ કાર પલાયન થઇ ગઇ હતી. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વારંવાર આ પ્રકારે તોડ કરવા માટે આવતા હોય છે જેને લઇને લીઝ ધારકોમાં રોષ ફેલાયેલો છે.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા જ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારીઓ 16 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. હજુ તો આ ઘટનાને સમય પણ થયો નથી, તેવા સમયે આ કર્મચારીઓ પુનઃ સક્રિય થઈ ગયા છે. આજે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓમા સોપો પડી ગયો હતો.