અમદાવાદ : લગ્ન પ્રસંગોમાં તેમજ વિવિધ ફંક્શનમાં જાહેરમાં વગાડવામાં આવતા લાઉડ સ્પીકરોના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે અને તેનાથી ઘણું નુકસાન થાય છે. એવી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દાને લઈને આજે હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વના નિર્દેશો આપ્યા છે.
નોટિફિકેશન પડકારવામાં આવ્યાં છે : ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની આ અરજીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અવાજના પ્રદૂષણ અંગે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે તેને અરજદાર દ્વારા પડકારવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ કર્યા છે. હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપતા જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ પર પ્રશાસન તત્કાલ પગલાં લે. આ નિર્દેશો પ્રમાણે જે પણ પ્રસંગોની ઉજવણી થાય તેવા તમામ પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ સહિતના સ્થળોએ પ્રસંગની જાણકારી હવે સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.
જેમનો પ્રસંગ હોય તેમણે જાણ કરવાની રહેશે : કોઈપણ પ્રસંગોમાં ડીજે ટ્રક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હોય તેવા સંજોગોમાં જેમનો પણ પ્રસંગ હોય જે તે સંચાલકોએ પોલીસને જાણ કરવાની રહેશે. પબ્લિક ન્યુસન્સ કે પછી ઘોંઘાટ ઉભો થતો હોય એ રીતે લાઉડ સ્પીકરનો ઉપયોગ રોકવા માટે થઈને પોલીસે પણ કડક કાર્યવાહી કરવાની રહેશે એવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. આ સાથે જ ધ્વનિ પ્રદૂષણ અંગેની જે પણ ફરિયાદો આવે તેને પોલીસ બિલકુલ પણ સરળતાથી ન લે તેવી પણ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.