મધ્યપ્રદેશ સરકાર પોતાની મનમાની કરી રહી છે. મઘ્યપ્રદેશના કાયદાપ્રધાને નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર મઘ્યપ્રદેશને સિંહ નહીં આપે તો ગુજરાતને મળતું નર્મદાનું પાણી અમે અટકાવીશું. તે સંદર્ભે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ સંઘીય ભાવના ધરાવતો દેશ છે. દરેક સંસ્થાનું સંકલન સારી રીતે જાળવાઈ રહે તે પ્રમાણે કામ કરવું જોઈએ.
સિંહ નહીં તો પાણી નહીં, મધ્યપ્રદેશ સરકારની ધમકી બાદ નીતિન પટેલનો વળતો જવાબ - નર્મદા
અમદાવાદ: થોડા સમય પહેલા મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાતમાં પાણી નહીં આપવામાં આવે તેવું નિવેદન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે નર્મદાના નીર બાદ સિંહના મુદ્દે બંને સરકાર સામ-સામે આવી ગઈ છે. ત્યારે મઘ્યપ્રદેશ સરકારના નિવેદનને નીતિન પટેલે આડેહાથ લેતા કહ્યું હતું કે, નિવેદન આપતા પહેલા મધ્યપ્રદેશ સરકારે સીધો ગુજરાત સરકારનો સંપર્ક કરવો જોઈએ.
નાયબ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સિંહ આપવા અને પાણી આપવું એ અલગ વાત છે. મધ્યપ્રદેશ સરકારની ધમકીને આડેહાથ લેતા કહ્યું હતું કે, આજે પાણી આપવાની ના પાડી. કાલ સવારે તે એક રાજ્યમાંથી બીજા રાજ્યના ટ્રેન, વીજ, વાહન વ્યવહારોને અટકાવાની પણ વાત કરશે. મધ્યપ્રદેશ સરકાર જાણી જોઈને વિવાદો ઉભા કરી રહી છે.
આ ઉપરાંત પાણીના મુદ્દે કહ્યું હતું કે, નર્મદા યોજના ફક્ત મધ્યપ્રદેશની જ યોજના નથી. તે રાજ્યના ભાગીદારીની યોજના છે. જો મધ્યપ્રદેશ સરકારને કાંઈ વાંધો હોય તો તે ગુજરાતના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરે. તેમના અધિકારીઓને ગુજરાત મોકલીને ચર્ચા કરે પણ આ રીતે વિવાદોમાં ન ઉતરે તેવું સુચન નીતિન પટેલે કર્યું હતું.