પાણી મુદ્દે શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આક્ષેપ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજ્યના મોટાભાગના ડેમ ખાલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જે જગ્યાએથી નર્મદાની કેનાલ પસાર થઇ રહી છે. ત્યાં પાણી છે પરંતુ આસપાસના ગામના લોકો જ તે પાણીનો ઉપયોગ કરી શકતા નથી અને જો તેઓ પાણીનો ઉપયોગ કરે તો સરકાર ચોરીના કેસમાં તેમને ફસાવવાના પ્રયત્નો કરે છે. જ્યારે, 25 વર્ષથી એક હથ્થું શાસન દરમિયાન આ વર્ષે જે રીતે પાણીનો દુષ્કાળ જોવા મળી રહ્યો છે. તે ગુજરાત મોડલ કેવું છે તે દર્શાવી રહ્યું છે. જ્યારે પાણી અને પાઇપલાઇનના મુદ્દે રાજ્ય સરકારે ફક્ત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર જ કર્યા હોય તેવા પણ આક્ષેપ કર્યા હતા.
પાણીના મુદ્દે શંકરસિંહે BJP પર ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ - ahd
અમદાવાદ: ગુજરાતમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં દસ પંદર દિવસના સમયગાળામાં પાણી મળી રહ્યું છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ એનસીપી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આવનારા સમયમાં વોર્ડ અને જિલ્લામાં એનસીપીના બે કાર્યકર્તાઓ જઈને પાણી અંગેની સમસ્યાનો ચિતાર કાઢશે. ત્યારબાદ તે રિપોર્ટ તૈયાર કરીને રાજ્યપાલને સોંપવામાં આવશે.
શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મળેલી આજની બેઠકમાં અમદાવાદના દરેક વોર્ડના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પાણીના મુદ્દે તમામ લોકોએ જાહેર જનતાનો અભિપ્રાય લેવો સાથે જ તમામ કાર્યકર્તાઓને આ કામગીરી દરમિયાન વોર્ડ વાઈઝ મતદારોના લીસ્ટ એક પણ આપવામાં આવશે. જેથી આવનારી કોર્પોરેશનની ચૂંટણી તથા જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં એનસીપીને મદદરૂપ થઈ શકે. આમ, આજની પાણીની બેઠકમાં વર્ષ 2020માં આવનારી કોર્પોરેશન તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી.