અમદાવાદ :ધોળકામાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પિતા અને દીકરાનું મોત નીપજ્યું છે. બીજી તરફ માતા અને અન્ય દીકરાએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધોળકા પોલીસે તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી. જેના આધારે દીકરીના સાસરિયા પક્ષ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
સામુહિક આત્મહત્યા :બનાવની મળતી વિગત અનુસાર મૂળ મહેસાણા વિજાપુરના વતની અને હાલ ધોળકા ગામની સીમમા આવેલા મફ્લીપુર ગામમાં રામદેવનગર સોસાયટીમાં રહેતા પરિવારની દીકરીએ થોડા દિવસ અગાઉ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની જાણ પરિવારને થતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બીજી તરફ દીકરીના સાસરિયાઓના વર્તનમાં ભેદ હોવાથી દીકરીના પરિવારને આઘાત લાગ્યો હતો. જેથી 5 સપ્ટેમ્બરની બપોરે જ પતિ અને પત્ની અને તેમના બે સંતાનો ઘરમાં ભેગા થયા હતા. ત્યાં આ પરિવારના ચારેય સભ્યોએ એક સાથે ઝેરી દવાના ગટગટાવી લીધી હતી. જેમાં કિરણભાઈ ગુલાભાઈ રાઠોડ અને હર્ષ કિરણભાઈ રાઠોડનું મોત નીપજ્યું છે. જ્યારે નીતાબેન કિરણભાઈ રાઠોડ અને હર્ષિલ કિરણભાઈ રાઠોડને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.