અમદાવાદઃ ભારતીય ફિલ્મ જગતના લિજેન્ડ કલાકાર રિશી કપૂરનું આજે દુઃખદ અવસાન થયું. 67 વર્ષની ઉંમરના રિશી કપૂર છેલ્લાં કેટલાક સમયથી કેન્સરથી પીડાતાં હતાં. સ્વ.રાજ કપૂરના પુત્ર રિશી કપૂરે નાનપણથી જ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બોબી ફિલ્મથી ફિલ્મ કેરિયર શરુ કરનાર રિશી કપૂર જીવનની આખરી ક્ષણ સુધી ઝિંદાદિલીથી જીવ્યાં અને એટલે જ અનેક ચાહકો આજે તેમને યાદ કરી રહ્યાં છે.
રિશી કપૂરના મોટા પ્રમાણમાં ચાહકો હતાં. તેવા જ એક ચાહક અમદાવાદના માધવી કોન્ટ્રાક્ટર છે. માધવી પણ વિશ્વભરના અન્ય ચાહકોના જેવા જ નાનપણથી જ રિશી કપૂરના ચાહક છે. માધવી પાસે રિશી કપૂરના ફોટાનું કલેક્શન છે. તદુપરાંત રિશી કપૂરની કોઈપણ ફિલ્મ માધવી જોવાનું ચૂકયાં નથી. માધવીએ ઘણીબધી ફિલ્મો પાંચ કે તેથી વધુ વખત જોયેલી છે.
સ્વ. રિશી કપૂર સાથેની યાદગાર ક્ષણો વાગોળતાં અમદાવાદના માધવી કોન્ટ્રાક્ટર
ફિલ્મક્ષેત્રના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું આજે મુંબઈમાં નિધન થયું. ફિલ્મચાહકો માટે આ મહાન અભિનેતાની ખોટ કદી ન પૂરી શકાય તેવી બની રહેશે. રિશી કપૂરના ચાહકો તેમના અનેક સંસ્મરણો શેર કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદના માધવી કોન્ટ્રાકટરે રિશી કપૂરના ઘેર મુલાકાત દરમિયાનનો વિડીયો ETV Bharat સાથે શેર કર્યો હતો.
સ્વ. રિશી કપૂર સાથેની યાદગાર ક્ષણો વાગોળતાં અમદાવાદના માધવી કોન્ટ્રાક્ટર
ETV Bharat સાથે વાત કરતાં વિશેષમાં માધવીએ જણાવ્યું હતું કે, અમને જ્યારે એક કલાક જેટલો લાંબો સમય મળવા માટે બોલાવ્યાં, ત્યારે જાણે કે વર્ષો જૂના મિત્રો ન મળતાં હોય, તે રીતે મારી સાથે વાતો કરતાં હતાં. અને પોતાના ફિલ્મી કેરિયરના કંઈ કેટલાય સંસ્મરણો અમને તેમણે જણાવ્યાં હતાં. બોબી ફિલ્મોમાં તેમને રાજદૂત ચલાવ્યાં બાદ તે રાજદૂતની ખૂબ જ મોટા પ્રમાણમાં બોલબાલા અને ડિમાન્ડ થઈ ગઈ હતી. આવા સંસ્મરણો વાગોળતાં વાગોળતાં માધવીની આંખોમાં આંસુ છલકાઈ રહ્યાં હતાં.