અરજદાર જે.એમ. ભરવાડની રજૂઆત છે કે તેઓ નિર્દોષ છે અને આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જેતપુરમાં નોંધાયેલા લાંચ કેસમાં તેમની કોઇ ભૂમિકા નથી. તેઓ ૨૨ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસ સબ ઇન્સપેક્ટરમાંથી પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ ઇન્સપેક્ટરમાંથી ડી.વાય.એસ.પી. તરીકે તેમણે પ્રમોશન મેળવ્યું છે અને તેમની કામગીરીનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે. તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ.
રાજ્ય સરકારે જામીન અરજીના વિરોધમાં રજૂઆત કરી હતી કે કેસની એફ.આઇ.આર. નોંધાયા બાદથી આરોપી અધિકારી ફરાર છે. તેમની સામે પ્રથમદર્શનીય રીતે ગુનો બને છે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે. બુધવારની સુનાવણીમાં કોર્ટનું જામીન ન આપવાનું વલણ જોઇ જે.એમ.ભરવાડના વકીલે અરજી પરત ખેંચવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ત્યારબાદ તેમણે કોર્ટને કહ્યું હતું કે વધુ સૂચનો રજૂ કરવા માટે તેમને સમય આપવામાં આવે.
લાંચ પ્રકરણના ફરાર આરોપી જે.એમ.ભરવાડએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીનની અરજી પરત ખેંચી
અમદાવાદઃ આઠ લાખ રૂપિયાના લાંચ પ્રકરણના ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે. એમ. ભરવાડે દાખલ કરેલી આગોતરા જામીન અરજી બુધવારે હાઈકોર્ટમાંથી પરત ખેંચી લીધી હોવાની વિગતો સામે આવી છે. આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. રાજ્ય સરકારે જામીન અરજીના વિરોધમાં રજૂઆત કરી હતી કે ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે અને તેમની સામે પ્રથમદર્શનીય રીતે કેસ બનતો હોવાથી તેમને જામીન ન મળવા જોઇએ. જે.એમ. ભરવાડ હાલ આ કેસમાં હાલ ફરાર છે. તેમની રજૂઆત છે કે પોલીસ અધિકારી તરીકેનો તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે તેથી તેમને જામીન મળવા જોઇએ.
જે.એમ. ભરવાડની હેઠળ ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ જે.એમ.ભરવાડ વતી રૃપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હોવાની ફરિયાદ એ.સી.બી.એ નોંધી છે. હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીને માર ન મારવાના રૂપિયા આઠ લાખ માગવામાં આવતા એ.સી.બીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધોરાજી સેશન્સ કોર્ટે આ કેસમાં જે.એમ.ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત આઠમી ઓગસ્ટે સોલા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને એક બિનવારસી કાર મળી હતી. કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળ્યો હતો અને તપાસ કરતા બહાર આવ્યું હતું કે આ કાર જે.એમ. ભરવાડની છે.