અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ગૃહ રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ગોતા વિસ્તારમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની ૨૦૦મી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક ભવ્ય કાર્યક્રમના આયોજનની સાથે-સાથે રક્તદાન શિબિર અને દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને લઇને ૨૫,૦૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની 200મી શાખાનું ઉદ્ઘાટન
અમદાવાદઃ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્ક નાની-મોટી મંડળીઓ અને ખેડૂતોનો વિશ્વાસ જીતીને આજે એક બ્રાન્ડ બની ગઇ છે. ખેડૂતોને મદદ કઇ રીતે કરી શકાય તેવી ચિંતા કરીને મંગળવારે એડીસી દ્વારા ૨૦૦મી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દિવસ હંમેશા યાદ રહેશે કેમ કે, ૨૨ ઓક્ટોબર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મ દિવસ નિમિત્તે એડીસી દ્વારા ૨૦૦મી શાખા શરૂ કરીને દેશના વિકાસ અને પ્રગિતિને વેગ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેવુ નાયહ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, એડીસી બેન્કે જેની ૨૦૦મી શાખાનું ઉદઘાટન થતું હોય એ ગુજરાત રાજ્યની સહકારી બેન્કમાં એક ઇતિહાસ સર્જનારી ઘટના કહી શકાય. એડીસી બેન્કને વિપરિત પરિસ્થિતિમાંથી બહાર કાઢીને એડીસીના પૂર્વ ચેરમેન અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એડીસી બેન્કનું સુકાન અજય પટેલને સોંપ્યું હતું. તેમણે ખેડૂતો, ખાતેદારો, મધ્યમવર્ગ, ગરીબોને વિશ્વાસમાં લઇને બેન્ક સાથે જોડાણ કરાવીને રાષ્ટ્રના નિર્માણમાં એક પ્રગતિ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલ પટેલ, જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, ધારાસભ્યો, એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ, વાઇસ ચેરમેન જગદીશ પટેલ તેમજ એડીસી બેન્કના ડિરેક્ટર્સ, પૂર્વ ચેરમેન અને સ્ટાફ સહિતના મહાનુભાવો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.