ગાંધીનગરઃ ગુજરાતના સીએમ રૂપાણીએ કોરોના વાયરસનો વ્યાપ હવે વધે નહીં અને કોરોના શંકાસ્પદ વ્યકિતઓની ત્વરાએ ભાળ મળી રહે તે માટે યુદ્ધના ધોરણે એકટીવ સર્વેલન્સ શરૂ કરી દેવા તાકીદ કરી છે. આગામી ૩ મે એટલે કે લોકડાઉનની સમયાવધિ દરમ્યાન મહાનગરપાલિકા, આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ સાથે મળી સમગ્ર શહેરમાં ખાસ કરીને સંક્રમણનો ફેલાવો વધુ છે તેવા વિસ્તારોમાં વધુને વધુ વ્યકિતઓનું સર્વેલન્સ કરીને પોઝિટિવ કેસ શોધવા અને આવા વ્યકિતઓને આઇસોલેટ કરવાની સઘન વ્યૂહ રચના અપનાવે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સામાન્ય શરદી-તાવના લક્ષણોવાળા લોકોની આરોગ્ય તપાસણી અને પેસીવ સર્વેલન્સ થાય છે તે જ રીતે હવે, કોરોના પ્રભાવિત વિસ્તારોમાં એકટીવ સર્વેલન્સ ICMRના દિશાનિર્દેશો મુજબ, કરીને વધુ સંક્રમણ અટકાવી માનવજીવન બચાવવાના મહાપાલિકાના સમયબદ્ધ આયોજનની વિગતો મુખ્યપ્રધાનને આપી હતી.