બાળકો અને પતિ સાથે રહેવાની ના પાડતા હાઇકોર્ટે મહિલાને મુક્તિ આપી
અમદાવાદ: કહેવાય છે કે મા એ મા બીજા બધા વગડાના વા. પરંતુ, દર વખતે આ કહેવત સાચી થતી નથી. હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત એક કિસ્સામાં ત્રણ ત્રણ નાના બાળકો જોડે નથી રહેવું તેવું એક માતાએ કહી દીધું હતું. પતિ અને બાળકો શાંતિથી જીવવા દેતા ન હોવાથી તેમની જોડે ન રહેવાનું આ મહિલાએ હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું. હાઇકોર્ટે માનવતા દાખવતાં મહિલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે પોતાની વાત પણ અડગ રહી હતી. મહિલા પુખ્તવયની હોવાથી હાઇકોર્ટે તેને તેની મરજી મુજબ જવાની છૂટ આપી હતી.
આ કેસની હકીકત એવી છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષના પતિની ૩૩ વર્ષની પત્ની ક્યાંક ચાલી ગઇ હતી. જો કે પોલીસ તેની ભાળ મેળવી શકી નહોતી તેથી પતિએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરીને તેને હાજર કરવાની માગ કરી હતી. જે મુજબ પત્નીને શોધીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. કોર્ટે મહિલાને તેની ઇચ્છા પૂછી હતી, ત્યારે તેણે પતિ અને ત્રણ બાળકો સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં તેઓ શાંતિથી જીવવા દેતા નથી તેમ તેણે કહ્યું હતું. તેથી કોર્ટે એક તબક્કે સમજાવટના પ્રયાસો કર્યા પરંતુ, પતિ-બાળકો સાથે નહીં જવાનું રટણ તેણે ચાલુ રાખ્યું હતું. અંતે કોર્ટે તેને મરજી મુજબ જવાની છૂટ આપી હતી, ત્યારબાદ મહિલા નાના-નાના બાળકોને છોડીને જતી રહેતાં કોર્ટ સંકુલમાં હૃદયદાવક દ્રશ્યો સર્જાયા હતાં.