એમ.જે. લાયબ્રેરીની કુલ 54 શાખાઓ અમદાવાદ શહેરમાં આવેલી છે. જેમાં 3 મોબાઈલ વાન દ્વારા ઘરે બેઠા વાચકોને પુસ્તકો પુરા પાડવામાં આવે છે તેમજ 6 બાળભવનોના માધ્યમથી નાના બાળકોને પણ વાંચનાલયની સુવિધા પુરી પાડવામાં આવે છે. વાર્ષિક અને આજીવન એમ બે પ્રકારની મેમ્બરશિપ અહીં ચાલે છે, જેમાં વાર્ષિક મેમ્બરશિપના રૂ.500 અને આજીવન મેમ્બરશિપની રૂ.1500 ફી લેવામાં આવે છે.
M. J. લાયબ્રેરી: 8 દાયકાથી લોકોની વાંચન-તૃપ્તિને શમાવતું ગુજરાતનું સૌથી મોટું સાર્વજનિક પુસ્તકાલય
અમદાવાદ: ઐતિહાસિક-દુર્લભ પુસ્તકો અને વિશાળ ઇતિહાસ ધરાવતું માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય ગુજરાતનું સૌથી મોટું અને સૌથી જૂના પુસ્તકાલયોમાંનું એક છે. AMC સંલગ્ન આ પુસ્તકાલય પોતાના ભવ્ય ઇતિહાસ, અતિભવ્ય ઇમારત, પુસ્તકોનો સંગ્રહ અને જ્ઞાનના ભંડાર તરીકે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાચકોની પ્રથમ પસંદ બન્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હસ્તે 1933માં આ લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ 15 એપ્રિલ 1938માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકાલયમાં 118નો સ્ટાફ મંજુર થયેલો છે. જેમાંથી 71 કર્મચારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે. 7 લાખ 75 હજાર કરતા વધુ પુસ્તકો ધરાવતા પુસ્તકાલયમાં અલગ અલગ ભાષાના 185 સામયિકો, 32 કરતા વધુ વર્તમાન પત્રો, લગભગ 3551 જેટલી પ્રજ્ઞાચક્ષુ માટે ઓડિયો કેસેટ બનાવવામાં આવેલી છે, 2003 જેટલી અલગ અલગ વિષયની સીડી બનાવવામાં આવેલી છે. અહીં ભારતના બંધારણનું જે તે સમયે બનાવવામાં આવેલી ઓરીજીનલ પ્રત પણ અહીં ઉપલબ્ધ છે. જેને કાચના બોક્સમાં સાચવીને રાખવામાં આવ્યું છે. ગાંધીને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા માનપત્રો અને જેટલી ભાષામાં ગાંધીજી સહી કરતા તે પણ સાચવવામાં આવેલી છે. આ પુસ્તકાલયમાં પ્રવેશતાની સાથે જ ગુજરાતના મહાનુભાવોની પરિચય સાથે તસવીરો મુકેલી છે અને પ્રદર્શન ખંડમાં અમદાવાદના ઇતિહાસની અલભ્ય તસવીરો અને માહિતી સજાવવામાં આવી છે.
વિવિધ ઉંમરને આધારે વિભાગ પાડવામાં આવ્યાં છે. અનેક સુવિધાઓ સાથે એમ. જે. લાયબ્રેરી રાજ્યની સૌથી મોટી અને જૂની લાયબ્રેરી છે. અહીં આજે પણ અમદાવાદી સહીત ગુજરાતના તમામ વાચકો પોતાની વાંચન-તૃપ્તિને શમાવે છે. આમ, આઠ દાયકાથી લોકોની વાંચન-તૃપ્તિને શમાવતું ગુજરાતનું સૌથી મોટું સાર્વજનિક પુસ્તકાલય એટલે એમ.જે. લાયબ્રેરી.