અમદાવાદ : ગુજરાતમાં 2002ના કોમી રમખાણો સમયે અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને જીવતા સળગાવીને કરવામાં આવેલી હત્યા મામલે સ્પેશિયલ કોર્ટમાં આજે ચુકાદો સંભળાવવામાં આવશે. ત્યારે ચુકાદાને લઈને કોર્ટ પરિસર અને કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદની કોર્ટમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, કોર્ટની અંદર પ્રવેશતા તમામ લોકોના આઈ કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સેક્ટર વન JCP તેમજ ઝોન 2 DCP સહિત 3 PI, 10થી PSI અને 150થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ સીઆરપીએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તેનાત કરવામાં આવ્યા છે.
મહત્વનો ચુકાદો : મહત્વનું છે કે આ કેસમાં પૂર્વ પ્રધાન માયાબેન કોડનાની સહિત બાબુ બજરંગી અને 70 જેટલા આરોપીઓ સામે ચુકાદો સંભળાવશે. ત્યારે તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ SIT દ્વારા પોતાના તમામ પાસા કોર્ટમાં રજૂ કર્યા બાદ હવે કોર્ટ આ અંગે મહત્વનો ચુકાદો સંભળાવશે.
ગુજરાત બંધનું એલાન :27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત પરત આવી રહેલા કાર સેવકોના ડબ્બાને પેટ્રોલથી સળગાવી નાખવામાં આવ્યા હતા. જેના પછી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 28 ફેબ્રુઆરીએ જ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અંદર અને ઘરની બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.