અમદાવાદઃરાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ હજી પણ યથાવત્ છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસ મામલે ગુજરાત હાઇકોર્ટે જે સુઓમોટો કરી છે. તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, રખડતા ઢોરના કારણે લોકો હજી પણ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. તેમ જ અનેક લોકોના મૃત્યુ થવાના સમાચાર દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે. સાથે જ પહેલાંની જેમ જ 24 કલાક મોનિટરિંગ ચાલુ રાખવામાં આવે. તંત્ર કામ કરી રહ્યું છે, પરંતુ હજી ક્યાંક કચાશ રહી જતી હોવાના કારણે રસ્તામાં ખૂલ્લેઆમ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.
HCએ AMCને આપ્યા આદેશઃ આ સમગ્ર મામલે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સતત 24 કલાક કામગીરી કરવા માટેના આદેશ આપ્યા હતા. તેમ જ 24 કલાક મોનિટરીંગ કરવામાં આવે એવી તાકીદ પણ કરી હતી. ઉપરાંત રખડતા ઢોરની કામગીરીને વધુ પડતી સઘન બનાવવામાં આવે તેમ જ જ્યાં પણ રખડતા ઢોરની કાર્યવાહી કરવામાં ન આવી રહી હોય ત્યાં એક્શન પણ લેવામાં આવે.
કોર્ટે સરકારને આપ્યો હતો આદેશઃ મહત્વનું છે કે, ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે, આજ દિન સુધી તમે રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે કયા કયા પગલાં લીધાં છે. આ મામલે સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, રખડતા ઢોરને ત્રાસ દૂર કરવા અમે તમામ જરૂરી પગલાં લીધા છે. તે મુજબ સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસને લઈને બાંહેધરી પણ આપી હતી કે, તેઓ આવનારા દિવસોમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે પગલાં લઈ રહી છે. સાથે જ કોર્ટે સરકારને રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.