ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ અકીલ કુરેશીની MPના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂકમાં વિલંબ થયો હતો. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન(GHCAA) દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. આ રિટની અરજન્ટ હિયરીંગની માગ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી શકે છે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી

By

Published : Jul 4, 2019, 3:52 AM IST

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જસ્ટિસ કુરેશીને MPના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરી દીધી હોવા છતાંય દેશના કાયદા મંત્રાલય દ્વારા મનસ્વી પ્રકારની વર્તણૂક અપનાવીને તેમની નિમણૂકને અટકાવી હોવાનો આક્ષેપ આ રિટમાં કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન (GHCAA) તરફથી કરવામાં આવેલી રિટમાં એડવોકેટ ઓન રેકોર્ડ તરીકે પૂર્વિશ જે. મલકાન છે. આ રિટમાં એવી દાદ માગવામાં આવી છે કે, કાયદા મંત્રાલયને આદેશ કરવામાં આવે કે તેઓ બંધારણની જોગવાઇઓનું પાલન કરે અને સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા 10મી મેના જસ્ટિસ અકીલ કુરેશીને MPના ચીફ જસ્ટિસ બનાવવાની જે ભલામણ કરવામાં આવી છે તે મુજબ તેમની નિમણૂક કરવામાં આવે.

રિટમાં વધુમાં એવી દાદ પણ માગવામાં આવી છે કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર ફોર એપોઇન્મેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ ચીફ જસ્ટિસિસ એન્ડ જજીસની જોગવાઇઓ મુજબ દેશની વિવિધ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂકો છ સપ્તાહની અંદર કરવાનો આદેશ પણ કરવામાં આવે. આ રિટમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યાં છે કે, ‘ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન અન્ય બારના સભ્યોની જેમ ન્યાયતંત્ર અને કાયદાના નિયમોની સ્વતંત્રતા અકબંધ રહે તેમાં રસ દાખવે છે. તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણ છતાંય બોમ્બે હાઇકોર્ટના જજ જસ્ટિસ અકીલ કુરેશીની MP હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નહીં બનાવતાં ન્યાયતંત્રની ગરિમા અને સ્વતંત્રતા બચાવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

આ સમગ્ર પ્રકરણમાં દેશના કાયદાપ્રધાનને 11મી જૂનના લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતાં એસોસિયેશને પિટિશન દાખલ કરી છે. રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘જસ્ટિસ કુરેશી ન્યાયતંત્રમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ જજ તરીકે જાણીતા છે. માત્ર ગુજરાત હાઇકોર્ટ જ નહીં બોમ્બે હાઇકોર્ટમાં પણ તેઓ પ્રશંસા પાત્ર જજ રહ્યાં છે. ત્યારે કોલેજિયમ દ્વારા તેમને MPના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. ત્યારે તેમની ક્ષમતાઓ પરની ચર્ચા કરવાનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી. આવા સંજોગોમાં તેમની નિમણૂંક નહીં કરીને કાયદા મંત્રાલય દ્વારા દેશના સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતોનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. તેથી ન્યાયના હિતમાં અને કાયદા તથા બંધારણના હિતમાં તેમને MPના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવાનો આદેશ કાયદા મંત્રાલયને આપવામાં આવે.’

ABOUT THE AUTHOR

...view details