અમદાવાદ : "લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" તે કહેવત સાર્થક કરતો કિસ્સો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે. સોલાના રહીશને ફેસબુકમાં એડ જોઈને કાર ખરીદવી મોંઘી પડી છે. એડ જોઈને કાર ખરીદવા ગયેલા વ્યક્તિએ 1.91 લાખ રૂપિયા ગુમાવતા ઠગબાજ ટોળકી સામે ગુનો દાખલ કરાવ્યો છે. સમગ્ર બાબતને લઈને સોલા પોલીસે પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે.
"લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો ગોતા વંદેમાતરમ સીટીમાં રહેતા સુરેશભાઈ પટેલ ખાનગી કંપનીમાં રકનપુર ખાતે નોકરી કરે છે. તેઓ તાજેતરમાં તેમનું ફેસબુક એકાઉન્ટ જોતા હતા, ત્યારે તેમને એક પોસ્ટ જોવા મળી હતી. જેમાં એક ગાડીનો ફોટો હતો અને તે વેચવાની હોવાનું તેમાં લખાણ લખવામાં આવ્યું હતું. જે પોસ્ટના આધારે તેમાં આપેલા નંબર પર તેઓએ સંપર્ક કર્યો હતો, ત્યારે ફોન ધારકે પોતાનું નામ દીપક કુમાર યાદવ આપ્યું હતું.બાદમાં આ વ્યક્તિએ ગાડીના ફોટો અને ડોક્યુમેન્ટ સુરેશભાઈને whatsapp પર મોકલ્યા હતા અને ફોન પર વાત કરનાર વ્યક્તિ જેસલમેર ખાતે બીએસએફમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. તેણે મૂકેલી પોસ્ટમાં જે ગાડી વેચવા મૂકી હતી તે 1.75 લાખમાં વેચવાની હોવાની વાત કરી હતી અને તે કાર તેની પાસે રાજસ્થાનમાં હોવાનું જણાવ્યું હતું. બાદમાં સુરેશભાઈએ આ ડીલ નક્કી કરતા ફોન કરનાર વ્યક્તિએ આર્મી ટ્રાન્સપોર્ટમાં ગાડી મોકલશે એમ જણાવ્યું હતું. બાદમાં સુરેશભાઈ ઉપર વિકાસ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમણે આ ગાડીની ડીલીવરીના કન્ફર્મેશન બાબતે વાતચીત કરી 15000 અને ત્યારબાદ પાલનપુર પહોંચી ગયો છે તેમ જણાવી જીપીએસ બંધ થઈ ગયું હોવાનું જણાવી વધુ રૂપિયા paytm કરાવ્યા હતા, પરંતુ અનેક દિવસો બાદ પણ સુરેશભાઈને કાર ન મળતા તેઓ સાથે ફ્રોડ થયું હોવાનું જણાતા તેઓ સાઇબર ક્રાઇમની કચેરીએ ગયા હતા. જ્યાં અરજી આપતા તેઓને ઈ-ટિકિટ જનરેટ કરી આપવામાં આવી હતી. બાદમાં તેના આધારે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તપાસમાં સુરેશભાઈના 1.91 લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.