અમદાવાદ : ઘણા લોકોને એવા વિચાર આવતા હોય છે કે તેમને ખુદને પણ ખબર ન હોય કે આ વિચાર તેમને ક્યાં સુધી લઇ જશે. ભણ્યા કંઇ અલગ હોય અને કામ કંઇક અલગ કર્યું હોય. આજે આપણે જેની વાત કરવા જઇ રહ્યા છીએ એવા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના હેમલ હેમલ જહાંઆરા શાહની કહાની પણ કંઇક આવી જ છે.
દૂધ વેચી 7 લાખની કમાણી :હેમલ જહાંઆરાએ ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યો છે. તેમણે ગુજરાતના જાણીતા ફેશન ડિઝાઇનર તરીકે ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યારે પશુપાલન તરફ કેવી રીતે રુખ કર્યો તે જાણવું રસપ્રદ છે. હેમલભાઇને બાળપણથી જ પશુપાલન વ્યવસાય પ્રત્યે લાગણી અને પ્રેમ હતો એટલે પોતાનો ફેશન ડિઝાઇનિંગનો વ્યવસાય છોડી પશુપાલન ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું. પશુપાલન વ્યવસાય પ્રત્યે લાગણી અને પ્રેમને કારણે જ તેઓને વર્ષ 2022-2023માં પ્રાકૃતિક પદ્ધતિથી પશુપાલન કરનાર અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે નવાજવામાં આવ્યા હતા. આજે હેમલ જહાંઆરા પાસે 43 ગીર ઓલાદની દૂધ આપતી ગાયો તેમજ 8 ગાયો ગાભણ થકી વાર્ષિક 7 લાખથી વધુની રકમ માત્ર દૂધ વેચીને કમાઇ રહ્યા છે.
આ પણ વાંચો Camel Milk Plant: ઊંટડીનું દૂધ પીવાથી થતા ફાયદા વિશે જાણો
બાળપણથી જ રસ હતો : આ અંગે વાત કરતા હેમલ જહાંઆરા શાહે કહ્યું કે, અમે છેલ્લાં 30 વર્ષોથી ફેશન ડિઝાઈનિંગનું કામ કરતા આવ્યા છીએ. આ ક્ષેત્રમાં એવોર્ડ અને પુરસ્કારો મેળવ્યાં છે. પણ મને ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રની સાથે પશુપાલનમાં પણ એટલો જ રસ હતો. મને વર્ષ 2018-19માં એક વિચાર આવ્યો કે મારે ફેશન ડિઝાઇનિંગનું ક્ષેત્ર છોડીને હવે પશુપાલન ક્ષેત્રમાં જ આગળ વધવું છે. ત્યારે વ્યવસાય મારી ધર્મપત્નીને સોંપીને પશુપાલન ક્ષેત્ર તરફ આગળ વધ્યો હતો. આખરે 50 વર્ષની ઉંમર પછી જીવદયા સેવાનું કાર્ય કરવા માટે ગુજરાતના ગૌરવ સમી ગીરનું, ગૌ સંરક્ષણ અને સંવર્ધન કરવાનું નક્કી કર્યું હતું.