સાવધાન ! ભારત-પાક. ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટ માર્કેટમાં ફરે છે અમદાવાદ :સમગ્ર ગુજરાત સહિત દેશના ક્રિકેટ રસિકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ભારત-પાકિસ્તાનની મેચને આગામી 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે હવે આ મેચની ટિકિટ ખૂટી પડતા કાળા બજાર શરૂ થયું છે. જેમાં વધુ નફો કમાઈ લેવા જૈમિન પ્રજાપતિ નામના યુવકે ડુપ્લીકેટ ટિકિટ બનાવવાનું ચાલુ કર્યું હતું. તેની સાથે તેના અન્ય 4 મિત્રો પણ સામેલ થયા હતા. પરંતુ તેમનો ઈરાદો પાર પડે તે પહેલા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 150 જેટલી નકલી ટિકિટ તથા ટીકીટ બનાવવાની સાધન-સામગ્રી સાથે 4 ઈસમોની ધરપકડ કરી છે.
ડુપ્લીકેટ ટિકિટ : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પહેલા ધમકી ભર્યો ઇ-મેઇલ કરના એક યુવક અને ડુપ્લીકેટ ટિકિટ બનાવનાર 4 યુવક મળીને કુલ 5 ઈસમોની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આ કામમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ સંબોધન કરી મીડિયા તમામ વિગતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
4 આરોપી ઝડપાયા :ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટ માર્કેટમાં ફરતી હોવાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થઈ હતી. ત્યારે પોલીસે નકલી ટિકિટ બનાવનાર આરોપીઓ અંગે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં પોલીસને તપાસ દરમિયાન જૈમિન પ્રજાપતિ નામનો યુવક પોતાના 3 સાગરીતો સાથે મળી ડુપ્લીકેટ ટિકિટ બતાવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે મુખ્ય સુત્રધાર યુવક સહિત તેના અન્ય 3 સાથીદારોને ઝડપી લીધા હતા.
ફર્જી ટિકિટની કિંમત :મોજ શોખ પૂરા કરવા 4 યુવાનોએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની નકલી ટિકિટ બનાવી હતી. જેમાં તેઓ 40 ટિકિટ વેચી દીધી હતી. ડુપ્લીકેટ ટિકિટ બનાવી બજારમાં તેનું વેચાણ કરનારા આ 4 ઈસમો પાસેથી પોલીસે ટિકિટ છાપવાના મશીન સહિત અન્ય સામગ્રી જપ્ત કરી હતી. તેમજ 150 જેટલી ડુપ્લીકેટ ટિકિટ પણ કબજે કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ટિકિટ રુ. 2000 થી રુ. 20000 સુધીમાં વેચવામાં આવતી હતી.
- World Cup 2023 : ટીમ ગુજરાત તૈયાર, ભારત-પાકિસ્તાન મેચ સુરક્ષિત માહોલમાં યોજાશે - હર્ષ સંઘવી
- Threatened To Blow Up Modi Stadium: મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો