અમદાવાદઃ અનલૉક 1.0 શરૂ ચૂક્યું છે. જેમાં જાહેર જીવન પુનઃ ધબકતું થાય તેવી સૌને આશા છે. ત્યારે આપ નિહાળી રહ્યાં છો અમદાવાદ જેવા સૌથી મોટા આર્થિક મહાનગર માટે ધબકતીદોડતી જાહેર પરિવહન બસ સેવા-બીઆરટીએસના સ્ટેશનનું દ્રશ્ય.. કોરોના મહામારીએ જનજીવન પર જે ઊંડી અસર છોડી છે તેનું આ પ્રતિબિંબ છે કે, જ્યાં કોરોના પહેલાંના દિવસોમાં ઘણી ભીડ જોવા મળતી હતી.
બીઆરટીએસની બસોમાં મુસાફરી કરવી શહેરીજનોને પસંદ છે. ત્યારે આ પ્રકારનું દ્રશ્ય બદલાયેલી પરિસ્થિતિનું પરિચાયક છે. બીઆરટીએસ સ્ટેશન પર રડ્યાંખડ્યાં મુસાફર પ્રવેશ લઇ રહ્યાં છે. બસોની ફ્રીકવન્સી પણ હાલમાં જોકે દર પંદર મિનિટની રાખવામાં આવી છે. પ્રવાસી બીઆરટીએસ બસ સ્ટેશનમાં પ્રવેશ લે ત્યારે સેનેટાઈઝર કે થર્મલ ગનની સુવિધા આજે તો જોવા મળી નથી. જોકે કર્મચારી માસ્ક પહેરેલાં જોવા મળ્યાં હતાં. ETV Bharat પ્રતિનિધિ પારુલ રાવલ દ્વારા બીઆરટીએસ બસમાં આજે શી પરિસ્થિતિ છે. તેની ઇનસાઈડ સ્થિતિ જાણવા જ્યારે બીઆરટીએસમાં પ્રવાસ શરૂ કર્યો ત્યાં સ્ટેશન પર કુંડાળાની જગ્યાએ ફૂટપ્રિન્ટના પિક્ચર દ્વારા પ્રવાસીઓને અંતર સાથે ઊભાં રહેવાની વ્યવસ્થા જણાઈ આવી હતી. પંદર મિનિટના ગાળામાં બીઆરટીએસ બસ સ્ટેશન પર આવી પહોંચી હતી. બસમાં પ્રવાસની શરૂઆત કરતાં જણાયું કે તેમાં કુલ ત્રણ પ્રવાસી ઉપસ્થિત હતાં. બસમાં બેઠક વ્યવસ્થા પર તરત ધ્યાન ખેંચે તે રીતે સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે અમુક બેઠક પર પ્રવાસી બેસે નહીં તેની સૂચના આપેલ સ્ટીકર પણ જોવા મળતાં હતાં. તેમ જ કોઇ પ્રવાસી બાજુબાજુમાં બેસે તો બસ ડ્રાઈવર દ્વારા તેમને સુરક્ષિત સ્થાને બેસવાનું જણાવતાં જોવા મળ્યાં હતાં.