અમદાવાદ:શહેરમાં રહેતા એક ટીઆરબી જવાનને અજાણી વ્યક્તિ દ્વારા અવાર નવાર મોકલાતી ટપાલ મળતી હતી. તે ટપાલમાં તેની મંગેતરના ફોટો અને બિભત્સ લખાણ લખેલા હતા. ટપાલ મારફતે ફોટો અને લખાણ મોકલી હેરાન કરી ધમકીઓ આપતા ટીઆરબી જવાન પરેશાન થઇ ગયો હતો. જેને લઇને તેણે આરોપી સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આ હરકત હોવાનું માનીને તપાસ શરૂ કરી છે.
ટપાલથી અંગત ફોટો મોકલ્યા:શાહીબાગમાં રહેતો 29 વર્ષીય યુવક ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2022માં તેની ગાંધીનગરમાં રહેતી યુવતી સાથે સગાઇ થઇ હતી. સગાઇના એક માસ બાદથી આ ટીઆરબી જવાનના ઘરે તેના નામથી એક ટપાલ આવતી હતી. જે ટપાલ ટીઆરબી જવાને ખોલીને જોતા તેમાં તેની મંગેતર અને તેના વિશે બિભત્સ લખાણ લખેલુ હતું અને તે યુવતીનો ફોટો પણ હતો. આમ અવાર નવાર કોઇ શખ્સે પાંચેક વાર આ જ રીતની ટપાલ મોકલી હતી.
પૂર્વ પ્રેમી હોવાની વાત કરી હેરાનગતિ:થોડા સમય બાદ આ ટીઆરબી જવાનને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે તારી મંગેતરનો લવર બોલુ છું કહીને અવાર નવાર ફોન કરી ટીઆરબી જવાનને પરેશાન કરતો હતો. થોડા સમય બાદ આ શખ્સે ટીઆરબી જવાનને મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. મેસેજમાં તે ટીઆરબી જવાનની મંગેતરને 10 વર્ષથી પ્રેમ કરતો હોવાનું જણાવી બિભત્સ શબ્દોના મેસેજ મોકલી તે અવાર નવાર તે યુવતી સાથે ગેસ્ટ હાઉસમાં ગયો હોવાની વાતો કરી ધમકી આપતો હતો.
સાયબર ક્રાઇમમાં ફરિયાદ: આરોપીએ ફેસબુક પર ફેક આઇડી બનાવી તેમાં ટીઆરબી જવાનની મંગેતરનો ફોટો મૂકી લોકોને રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં આરોપીએ આ ટીઆરબી જવાન સહિતના લોકોને ધમકીઓ આપતા તેણે સાયબર ક્રાઇમમાં અરજી આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Surat News: અલગ-અલગ રાજ્યોમાં ધાડ-ચોરીને અંજામ આપતી કુખ્યાત ગેંગના બે સભ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચના ઝબ્બે
- GST Raids: કોચિંગ ક્લાસમાંથી 20 કરોડની કરચોરી, GSTના દરોડામાંથી ઘટસ્ફોટ