ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્મૃતિ ઈરાની ફંડ ઉચાપત કેસ મામલે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ

અમદાવાદ : કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીને રાજ્યસભાના સાંસદકાળ દરમિયાન અપાયેલી ગ્રાન્ટના દુરૂપયોગ કેસમાં કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સરકારની ખાતાકીય તપાસની રજૂઆત સામે અરજદારે જવાબદાર અધિકારીઓ વિરૂધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. રાજ્યસભાના તાત્કાલિન સાંસદ તરીકે સ્મૃતિ ઈરાનીને અપાયેલી ગ્રાન્ટનો આણંદ જિલ્લામાં દુરૂપયોગ થયો હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની રિટમાં અરજદાર દ્વારા આ માંગણી કરવામાં આવી હતી.

ફાઇલ ફોટો

By

Published : Jul 18, 2019, 8:15 PM IST

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સરકારી અધિકારીઓ જ સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરે તેવા કિસ્સામાં ત્રણ પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે. ફોજદારી કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી અને દીવાની કાર્યવાહી એટલે કે દુરૂપયોગ કરાયેલી રકમ રિકવર કરવાની કામગીરી કરવામાં આવે છે. સરકારે હજુ સુધી ખાતાકીય કાર્યવાહી અને રકમ રિકવર કરવાની કાર્યવાહી જ હાથ ધરી છે. તેમાં પણ કૌભાંડ બહાર આવ્યાના દોઢ વર્ષ બાદ આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી સરકારે આપી હતી.

જોકે આ અંગે અગાઉ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, આ કેસમાં આણંદના ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ ઓફિસર સી.આર.બીરાઇ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.ડી. રાઠોડ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ હિના ડી. પટેલ સામે ખાતાકીય કાર્યવાહી કરતી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવ્યું છે કે, સ્મૃતિ ઇરાની ગુજરાતના રાજ્યસભા સાંસદ હતા ત્યારે તેમણે નોડલ ડિસ્ટ્રીક્ટ તરીકે આણંદ પસંદ કર્યું હતું. તેમણે ત્યાંના મઘરોલ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધુ હતું. ગામનો આદર્શ ગ્રામ તરીકે વિકસિત કરવા તેમને ગ્રાન્ટ મળી હતી. ઉપરાંત MPLAD(મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ) ગ્રાન્ટમાં ઘણાં દુરૂપયોગ કરવામાં આવ્યા હતા.વિકાસ કામો માટેની ગ્રાન્ટ રાજકીય પ્રભાવ હેઠળ એક સહકારી મંડળીને આપવામાં આવી હતી.

આ ઉપરાંત સરકારી નિયમ પ્રમાણે બાંધકામ કે કાર્ય પૂર્ણ થયા હોવાનું સર્ટિફિકેટ રજૂ થયા બાદ ગ્રાન્ટની રકમ ચૂકવવામાં આવે છે. જ્યારે આ કામોની રકમની ચૂકવણી સર્ટિફિકેટ વગર થઇ હતી. તો ચૂકવણી માટે સ્મૃતિ ઇરાનીના PAએ સરકારી કર્મચારીઓને ફોન કર્યા હોવાનો આક્ષેપ પણ રિટમાં કરવામાં આવ્યો છે.

શારદા મઝદૂર કામદાર સહકારી મંડળી પણ આ રિટમાં પ્રતિવાદી છે અને તેણે આ ગામમાં વિકાસ કાર્યોનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. મંડળીનું બેન્ક ખાતુ સીઝ કરવામાં આવ્યું છે. મંડળી તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, બેન્ક ખાતામાં રૂપિયા 95 લાખની રકમ છે તેથી બેન્ક ખાતું સીઝ ન થવું જોઇએ. મંડળીને બાંધકામના જે પણ કામ સોંપવામાં આવ્યા હતા તે પૂર્ણ કર્યા છે.હાઇકોર્ટે આ રજૂઆતની ટીકા કરતા કહ્યું હતું કે આવા બાંધકામોના એકવાર ફોટોગ્રાફ પડયા પછી ત્યાં કંઇ હોતું નથી. મંડળી ઇચ્છે તો આ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details