અમદાવાદઃ રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે લોકહિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહી છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં યુનિર્સિટીના વિદ્યાર્થીઓને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે, જે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાંથી પરીક્ષા આપવા માંગતા હોય તે રજીસ્ટ્રેશન કરાવીને પોતાના જિલ્લામાંથી પરીક્ષા આપી શકશે.
વિદ્યાર્થીઓને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય
કોરોના જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે યુનિવર્સિટીની પરીક્ષામાં કેટલીક છૂટછાટ આપી છે. જેમાં વિદ્યાર્થી કોલેજની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવીને પોતાના જિલ્લામાં પરીક્ષા આપી શકશે.
વિદ્યાર્થીઓએ પોતાનાં જિલ્લામાં પરીક્ષા આપવા માટે પરીક્ષાની તારીખ પહેલાં એટલે કે, 14 જૂન સુધીમાં યુનિવર્સિટી જે વેબસાઇટ છે તેની પર રજિસ્ટ્રેશન કરવું પડશે. યુનિવર્સિટીની વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ પોતાનું પરીક્ષા કેન્દ્ર નક્કી કરવું પડશે, પરંતુ જે વિદ્યાર્થી 14 જૂન સુધીમાં પોતે આપવા માંગતા હોય તે પરીક્ષાનું કેન્દ્ર જો નક્કી નહીં કરે તો જે-તે વિદ્યાર્થીને નિયત કેન્દ્ર પરથી જ પરીક્ષા આપવાની રહેશે.
વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા કેન્દ્રની પસંદગી તારીખ 14 જૂન સુધીમાં ફરજીયાત કરવાની રહેશે. વિદ્યાર્થીએ પસંદ કરેલા કેન્દ્ર પર જો પૂરતી સંખ્યા નહીં હોય અથવા વિદ્યાર્થી પોતે પરીક્ષા કેન્દ્ર પસંદ નહીં કરે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાબેતા મુજબ કરાતી વ્યવસ્થાનાં કેન્દ્રએ જ પરીક્ષા આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 2 જુલાઈ અને બીજા તબક્કાની પરીક્ષા 13 જૂલાઈથી શરૂ થશે.