રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આગામી તારીખ ૩૦ના રોજ હજારો કાર્યકર્તાઓની હાજરીમાં વાજતે-ગાજતે ઉત્સાહ જનક વાતાવરણમાં જ્વલંત વિજયના સંકલ્પ સાથે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે નામાંકન દાખલ કરવા માટે જવાના છે. અમિત શાહ તેમના નારણપૂરા ખાતે આવેલ જૂના નિવાસસ્થાનથી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ૪ કિ.મીનો ભવ્ય રોડ-શો કરશે.
અમિત શાહના નામાંકન અગાઉ ભાજપની તડામાર તૈયારી
અમદાવાદ: લોકસભા 2019 ની ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર થયું હતું. ત્યારથી ભાજપમાં એક ઉત્સાહ જોવા માટે મળી રહ્યો છે, ત્યારે આવનાર 30 માર્ચના રોજ અમિત શાહ પોતાનું નામાંકન દાખલ કરવાના છે. જેના ભાગરૂપે ભાજપાએ ગુરૂવારથી તૈયારીઓ શરુ કરી છે.
આ રોડ-શોને ધ્યાનમાં રાખી ગુરૂવારના રોજ ભાજપના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિલ જૈન દ્વારા તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમિત શાહ પોતે જાતે આ રૂટમાં ફરવાના છે, ત્યારે ભાજપ કોઈ કચાસ રાખવા માંગતું નથી. જેને લઈને અત્યારથી જ તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી શકે છે. આ રોડ શોમાં ગુજરાતની તમામ લોકસભા સીટના 26 ઉમેદવારો પણ હાજર રહે તે પ્રકારનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે. શાહ ગુજરાત આવે તે પહેલા ભાજપ તમામ 26 લોકસભા સીટના ઉમેદવારો જાહેર પણ કરી દેશે તેવું ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અમિત શાહ આ રોડ શો પૂર્ણ કાર્ય બાદ પોતાની કારમાં ગાંધીનગર ખાતે નામાંકન દાખલ કરવા માટે આવશે. ગાંધીનગરમાં પણ શાહ જયારે ફોર્મ ભરવા આવશે, ત્યારે એક માનવ સાંકળ કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા રચવામાં આવશે. ભાજપ દ્વારા અમિત શાહ રંગારંગ વાતાવરણમાં ફોર્મ ભરે તે પ્રકારની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.