- 60 વર્ષથી ઉપરની ઉંમરનાને ટિકિટ નહીં
- 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીં
- ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓમાં ફફડાટ
અમદાવાદ : દાયકાઓથી ભાજપ પક્ષ માટે કાર્ય કરતાં વરિષ્ઠ નેતાઓનું રાજકારણ પૂર્ણ થઈ ગયું છે. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખ પોતે 65 વર્ષની વયના છે અને તેમને 3 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયા છે તેમ છતા તેમને આ નિર્ણયો લીધા છે. જેને કારણે હવે અમદાવાદ સહિત 6 કોર્પોરેશનના અનેક વરિષ્ઠ કોર્પોરેટર્સને ટિકિટ મળવાની નથી, તો હવે તેમને શું કરશે? પાર્ટી માટે કાર્ય કરશે, કે પછી ભાજપ છોડીને કોંગ્રેસમાં કે અન્ય પક્ષમાં જોડાશે. આ નિર્ણયથી અનેક વરિષ્ઠ નેતાઓના ભાવિ સામે સવાલ ઉભા થયા છે.
અમદાવાદમાં 23થી વધુ કોર્પોરેટર્સની ઉંમર 60થી વધુ
અમદાવાદ કોર્પોરેશનની જ વાત કરીએ, તો 23થી વધુ કોર્પોરેટર્સ 60થી વધુ ઉંમર ધરાવે છે, જેમને ટિકિટ મળવાની નથી. આ તમામ નેતાઓ વરિષ્ઠ છે અને વર્ષોથી ભાજપમાં છે. બીજી તરફ 5 ટર્મથી ચૂંટાયેલા છે, તેમાં 3 કોર્પોરેટર છે. જેમાં અમિત શાહ વાસણા, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ખાડિયા અને મયુર દવે ખાડિયાનો સમાવેશ થાય છે. 4 ટર્મથી ચૂંટાયેલા 7 કોર્પોરેટર્સ છે, જેમાં બિપીન સિક્કા સરદારનગર, ગૌતમ શાહ નારણપુરા, દિનેશ મકવાણા સૈજપુર બોઘા, મહેન્દ્ર પટેલ ખોખરા, પ્રવિણ પટેલ શાહીબાગ, બિપીન પટેલ અસારવા અને મધુબહેન પટેલ વસ્ત્રાલનો સમાવેશ થાય છે. તેમજ 3 ટર્મથી વધુ ચૂંટાયેલા 11 કોર્પોરેટર છે, જેમને આ વખતની ચૂંટણીમાં ટિકિટ મળવાની નથી.
ત્રણ વરિષ્ઠ નેતાઓએ પુત્ર માટે ટિકિટ માગી
- અશોક ભટ્ટના પુત્ર ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટે તેમના પુત્ર માટે ટિકિટ માગી છે.
- મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા અમિત શાહે તેમના પુત્ર માટે ટિકિટ માગી છે.
- કોર્પોરેટર તુલસી ડાભીએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. જેના માટે લોબીંગ પણ થઈ રહ્યું છે.
અમદાવાદમાં કુલ 39 કોર્પોરેટર્સની ટિકિટ કપાશે?
ટૂંકમાં પ્રદેશ ભાજપ પ્રમુખના નવા નિયમો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વખતની ચૂંટણીમાં 3 પૂર્વ મેયર, પૂવ ડેપ્યુટી મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કુલ 39 કોર્પોરેટર્સની ટિકિટ કપાશે. જેમાં 15 મહિલા કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે.
ભાજપના વરિષ્ઠ ધારાસભ્યોને પણ 2022માં ફરીથી ટિકિટ નહી મળે?
6 કોર્પોરેશનની ચૂંટણીમાં જો આ નિયમ લાગુ થઈ જશે, તો 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં પણ જો આ નિયમ લાગુ કરાશે. તો ભાજપની ટોચની નેતાગીરીમાં સામેલ કેટલાય ધારાસભ્યોને ફરીથી ટિકિટ નહી મળે. જેથી અત્યારથી ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટૂંકમાં ભાજપ હવે રિવાઈવ થઈને યુવાનોને વધુ પ્રાધાન્ય આપવા માગી રહ્યું છે. ડિજિટલ યુગમાં યુવાનો વધુ સારી રીતે શાસન કરી શકશે., તેવું માનવું હોઈ શકે છે.