ગુજરાત

gujarat

ETV Bharat / state

આ સપ્તાહના દિવસો તમારા માટે કેવા રહેશે...? જાણો તમારુ રાશિફળ..

ન્યૂઝ ડેસ્કઃ આ સપ્તાહમાં તમારા માટે શું છે ખાસ. તા. 27 ઓક્ટોબરથી 2 નબેમ્બર સુધીમાં કયો દિવસ છે તમારી માટે લાભદાયી. જાણવા માટે જૂઓ સાપ્તાહિક રાશિફળ.

રાશિફળ

By

Published : Oct 27, 2019, 7:43 AM IST

Updated : Oct 27, 2019, 7:55 AM IST

મેષઃ અત્યારે તમે જીવનને એક ચેલેન્જ સમજીને આગળ વધશો અને પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ગજબની ક્ષમતા કેળવી શકશો. આ કારણે જ પ્રોફેશનલ મોરચે તમે પ્રગતિની આશા રાખી શકો છો. ભાગીદારીથી પણ લાભ મળી શકે છે. આપ નવા પ્રોજેક્ટ હાથ ધરશો. જેમાં આપને સફળતા મળશે,વડીલોનો સાથ સહકાર મળી રહે, આપના વર્તનમાં પરિવર્તન આવે. જીવનસાથીનો પ્રેમ ભર્યો સ્પર્શ કે સંવાદ આપના જીવનને નવી દિશા આપવાની પ્રેરણા આપી શકે છે. વિજાતીય પાત્રો સાથે તમારી નિકટતા વધશે. નવા સંબંધોની શરૂઆત કરવા માટે પણ તક મળી શકે છે. આપનું ધ્યાન સામાજિક પ્રવૃત્તિઓ પર વધે. તમારા સામાજિક માન- પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં શરૂઆતમાં ઘણી સારી રુચિ રહે પરંતુ અત્યારે તમે કારકિર્દીને અનુલક્ષીને આયોજનપૂર્વક આગળ વધશો તો બહેતર પરિણામની આશા રાખી શકો છો. ઉત્તરાર્ધમાં તમને આધ્યાત્મિક બાબતોમાં રુચિ વધશે. સ્વાસ્થ્ય સુખાકારી માટે પણ સારું સપ્તાહ છે પરંતુ જો હૃદયના ધબકારામાં અનિયમિતતા હોય તો અત્યારે સાચવવું.

વૃષભઃ પ્રોફેશનલ મોરચે આ સપ્તાહે તમે ખંતપૂર્વક આગળ વધી શકો. લાંબાગાળાના મૂડી રોકાણ કરી શકો. નોકરિયાતોને પણ સારી તક મળી શકે છે. જોકે અત્યારે પ્રોફેશનલ કે અંગત જીવનમાં કોઇની સાથે વાતચીત કરવામાં અથવા કમ્યુનિકેશનમાં શબ્દોની પસંદગી સંભાળીને કરવી. આપના કાર્યો ધાર્યા મુજબ પાર પડે તેમ જ અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણ થાય. નાણાંકીય લાભની શક્યતા પણ છે. પહેલા દિવસે આપના ક્રોધ અને પરાક્રમ બંનેમાં વૃદ્ધિ કરશે. જો સાચી દિશામાં આ શક્તિને વાળશો તો ઘણા અદભૂત અને ઉત્તમ પરિણામો મળશે. પ્રણય સંબંધોમાં આ બાબત ખાસ લાગુ પડે છે. વિવાહિતોને સંબંધોમાં પરિપકવતા આવે અને બંને માટે સમર્પણની ભાવના વધે. વિદ્યાર્થી જાતકોને વધુ પડતા ઉતાવળે આગળ ન વધવાની સલાહ છે. તમને આધ્યાત્મિક અભ્યાસમાં રુચિ વધી શકે છે. આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય ચડાવઉતારવાળું રહે. અત્યારે ઋતુગત સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. છેલ્લા બે દિવસમાં મનમાં થોડો ઉચાટ, ગભરામણ અને અજ્ઞાત ડર હશે. એક નાની ભૂલની સજા આપને મોટા સ્વરૂપે મળી શકે છે.

મિથુનઃ આનંદ અને ખુશાલી સાથે સપ્તાહની શરૂઆત થશે. વેપાર-ધંધા કે નોકરીમાં આપના કામમાં આપ સારી રીતે આગળ વધી શકશો અને નિર્ધારિત કાર્યો યોજના મુજબ પાર પાડી શકશો. આપના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાંપડશે. મોસાળ પક્ષની કોઇ વ્યક્તિનું મિલન થાય. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં, ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ વેપારની વૃદ્ધિ કરી શકશે. ધંધામાં વિસ્તરણ માટે હાલમાં માત્ર આયોજન કરવું. તે અંગે કોઈની સાથે વિચાર-વિમર્શ પણ કરી શકશો. સામાજિક જીવનમાં આપને યશકીર્તિ મળે. સંતાનોને અભ્યાસમાં પ્રગતિના કારણે આપનું મન હર્ષિત થશે. અત્યારે સંબંધોમાં પણ તમે આગળ વધી શકો. નવા પ્રણય સંબંધોની શરૂઆત કરવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, વિવાહિતોએ તેમના સાથીને અત્યારે સંબંધોમાં વધુ અવકાશ આપવો પડશે. તમને સંબંધોમાં અત્યારે અનિશ્ચતતા વર્તાય તો કોઇપણ તણાવ મુદ્દે શાંતિથી બેસીને ચર્ચા કરવી અને તેનો ઉકેલ લાવવો. સપ્તાહના અંતિમ ચરણમાં પિત્ત, મંદાગ્નિ, સાંધાનો દુઃખાવો કે સંધિવાની સમસ્યા રહેશે.

કર્કઃ નોકરિયાત વર્ગ પોતાના હાથમાં રહેલા કાર્યો સપન્ન કરવામાં વધુ સમય લાગે અને પરિશ્ચમ વધારવો પડે. જોકે, કામમાં સહકાર્યકરોનો સહકાર મળે. વેપારીઓ પોતાના વ્યવસાયને નવી ક્ષિતિજો સુધી લઈ જઈ શકશે. ભાગીદારીથી લાભ થાય. આ સપ્તાહે આપ જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો અને દાંપત્ય સુખ ભોગવી શકશો. અવિવાહિત જાતકોના ઘરે શરણાઈઓ વાગવાના યોગ છે. કુટુંબ સાથે સામાજિક મેળાવડા, લગ્નમાં કે બહાર ફરવામાં આનંદમય સમય પસાર થશે. તન- મનથી પ્રસન્‍નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. અભ્યાસમાં એકાગ્રતા ઘણી સારી રહેશે અને તમે શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી શકો અથવા તે દિશામાં કરેલા પ્રયાસો સાર્થક નીવડશે. પેટના દર્દથી પરેશાની અનુભવાય. જૂની માંદગીમાં સારવારમાં ગાફેલ ના રહેવું. વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગાડી શકે છે. સમયસર ભોજન અને ઉંઘ ન મળવાથી માનસિક બેચેની પણ અનુભવાય. પ્રવાસમાં વધુ પડતું જોખમ ના લેવાની સલાહ છે. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાત થશે.

સિંહઃ વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો. કર્મચારીઓ સાથે આપના સંબંધો સામાન્ય રહેશે. પહેલા દિવસે મધ્યાહન સુધી કોઇપણ વ્યક્તિ સાથે ચર્ચા કે કમ્યુનિકેશનમાં વાણીમાં ઉગ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું. પ્રોફેશનલ મોરચે અત્યારે તમે નવું સાહસ ખેડવા માટે તૈયાર થશો. નવી તકો શોધી રહ્યા હોય તેમના માટે સમય પણ સારો છે. તમે કામકાજની સાથે પરિવારને પણ મહત્વ આપશો જેથી જીવનમાં દરેક મોરચે સંતુલન સાધવા પર તમારું ધ્યાન કેન્દ્રિત હશે. પરિવારની ખુશી માટે ખર્ચ કરો તેવી પણ સંભાવના છે. વડીલો તેમ જ મિત્રવર્તુળથી લાભ થાય અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દાંપત્‍યજીવનમાં સંતોષ અને આનંદ રહે. જોકે પ્રેમસંબંધોમાં હોય તેમને અત્યારે સંબંધોમાં અનિશ્ચિતતા વર્તાશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં વધુ મહેનત કરવાની સલાહ છે. ખાસ કરીને કારકિર્દીને અનુલક્ષીને મહત્વનું વર્ષ હોય તેમણે વધુ ધ્યાન આપવું. છેલ્લા બે દિવસમાં સંતાનોને લગતી બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડે અને મોટાભાગનો સમય તેમાં પસાર થતા અન્ય કાર્યો પર ધ્યાન ના આપી શકો.

કન્યાઃ તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રો ઉમેરાય, જેનાથી ભવિષ્‍યમાં આપને લાભ થશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. પ્રોફેશનલ મોરચે આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓ ખીલશે. ચિંતાના બોજમાંથી હળવાશ મળતાં સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. ભાવુક્તા આપને કલ્‍પના જગતમાં વિહાર કરાવશે. કામકાજમાં આપનો આત્‍મવિશ્વાસ વધશે અને કોઈપણ કાર્યમાં સફળતા પણ મળશે. મિત્રો સાથે પાર્ટી કે પિકનિકમાં જવાની તકો પણ સાંપડશે. આપ કોઈને નડતા નથી પરંતુ લોકો આપની ભલમનસાઇનો ગેરલાભ ન લે તેનું ધ્યાન રાખવું. અત્યારે કામકાજ અર્થે ટુંકી મુસાફરીનું આયોજન કરી શકો છો. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે તેમ જ આપનું મિત્રવર્તુળ વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહે પરંતુ છેલ્લા બે દિવસમાં તમારું શિડ્યુલ થોડુ ખોરવાય તેવી શક્યતા બનશે. સ્વાસ્થ્ય બાબતે આપે સંભાળીને ચાલવા જેવો સમય છે. ખાસ કરીને આકસ્મિક ઇજા અથવા લોહીના પરિભ્રમણને લગતી ફરિયાદો થઇ શકે છે. આંખોમાં ઝાંખપ, બળતરા કે અન્ય કોઇક તકલીફ ઊભી થાય.

તુલાઃસપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી આપનું મન થોડુ બેચેન રહેશે અથવા અગાઉના થાકના કારણે શરીરમાં પણ સુસ્તિ વર્તાય પરંતુ તે પછીનો સમય બહેતર છે. ભાઈ-બહેનો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. વિવાહિત જાતકોને શ્વસુરપક્ષના લોકો સાથે મળવાનું થાય તેમ જ તેમના તરફથી લાભ થાય. પ્રણયસંબધોમાં પણ ઘનિષ્ઠતા આવશે. વાણીની મીઠાશથી તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો અને તેના કારણે સંબંધો તેમજ કાર્યોમાં સફળતા મળી શકે છે. આપ ચિંતાના બોજમાંથી મુક્તિ અનુભવશો અને તેના કારણે આપનું મન પ્રફુલ્લિત રહેશે. આપની કલ્‍પનાશક્તિ ખીલી ઉઠતા નવા નવા વિચારો મનમાં ઉદભવશે જે નોકરી કે વ્યવસાયમાં લાભદાયી નીવડશે. પૈતૃક મિલકતોને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. અત્યારે તમારા પરિચિતોના વર્તુળમાં વિસ્તરણ થવાની શક્યતા છે. ઉત્તરાર્ધમાં તમે કમાણી પર વધુ ધ્યાન આપશો અને તેના માટે કરેલા પ્રયાસોમાં સારી સફળતા મળી શકે છે. છેલ્લા બે દિવસમાં પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવું. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકશે. સરકારી કામ અથવા સંબંધો આપને લાભ કરાવશે. મોટાભાગના સમયમાં તમે સ્વાસ્થ્ય સુખાકારી માણી શકશો.

વૃશ્ચિકઃ આ સપ્તાહે ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવા કાર્યોની શરૂઆત કરી શકો. આપનું મન વધારે ભાવુક બનશે. નાના-મોટા પ્રવાસની શક્યતા પણ છે. કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્‍યાન આપશો. આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સંપત્તિ સંબંધિત કાર્યોમાં અત્યારે ખર્ચ અથવા પાછીપાની થવાની શક્યતા છે. સરકાર અથવા કાયદાને લગતા કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે પરંતુ પૂર્વાર્ધમાં તમારું મન અભ્યાસમાં ઓછુ લાગે માટે તે પ્રમાણે શિડ્યુલ બનાવજો. શરૂઆતમાં આપને આકસ્મિક ખર્ચની શક્યતા છે. શરૂઆતમાં તમે સંબંધોનું સુખ ઓછુ માણો અથવા પ્રિયપાત્રને ઓછો સમય આપી શકો પરંતુ ઉત્તરાર્ધમાં પ્રિયપાત્ર સાથે ડીનરમાં જવું અથવા કોઇપણ પ્રકારે તેમની સાથે વધુ સમય વીતાવી શકો તેવી સંભાવના છે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સહકાર મળી રહેશે. સપ્તાહના છેલ્લા બે દિવસમાં કોઇપણ વ્યક્તિ સાથે કમ્યુનિકેશનમાં થોડુ સંભાળવું પડશે.

ધનઃ સપ્તાહની શરૂઆત તમે પ્રોફેશનલ મોરચે વધુ ધ્યાન આપીને કરશો. તમારા કર્મના ફળરૂપે આર્થિક ફાયદો થવાની આશા રાખી શકો છો. પિતા, સરકાર, ઉપરી અધિકારીઓ, વગદાર લોકો તરફથી આપને લાભ થાય. વિદ્યાર્થીઓ વિધ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. ભાગીદાર અથવા જીવનસાથી જોડે આર્થિક વ્યવહારોમાં થોડી સાવધાની રાખવી. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્‍સ તેમ જ પ્રતિભા દેખાડી શકશે. વાંચન- લેખનમાં આપને મહેનતના પ્રમાણમાં ઓછું પરિણામ મળે. વિદ્યાર્થી જાતકો શરૂઆતમાં અભ્યાસમાં ધ્યાન આપે પરંતુ અત્યારે તમને યાદશક્તિ અને એકાગ્રતાની ફરિયાદ તો રહેવાની. મોસાળ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્‍યક્તિને સપ્તાહના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. તા. 29ના મધ્યાહનથી 31ની સાંજ સુધી આપ શારીરિક અને માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવશો.

મકરઃઆપ લાભ લેવા માંગતા હોવ તો આપની સંકલ્‍પ શક્તિ બળવાન કરી દો અને તમે જીવનમાં જે હાંસલ કરવા માંગો છો તેની પાછળ મક્કમતાથી પડી જાવ કારણ કે અત્યારે પ્રોફેશનલ મોરચે આગળ વધવા માટે સમય સારો છે. માત્ર છેલ્લા બે દિવસને બાદ કરતા તમે પ્રોફેશનલ કાર્યોમાં સારું ધ્યાન આપી શકશો અને લાભની પણ અપેક્ષા રાખી શકો છો. તમારા કાર્યમાં સર્જનાત્મકતા સ્પષ્ટ દેખાઈ આવશે. નોકરિયાતો પણ વિરોધીએને પછાડીને પોતાનો માર્ગ ઘડી શકશે. અત્યારે તમને કોઇને કોઇ પ્રકારે આર્થિક લાભની શક્યતા વધુ છે. ખાસ કરીને મિત્રો અથવા મોટા ભાઇબહેન તરફથી ફાયદો થઇ શકે છે. છેલ્લા બે દિવસમાં કોઇપણ અણધાર્યા ખર્ચની તૈયારી પણ રાખવી પડશે. સંબંધોનું સુખ અત્યારે તમે માણી શકો પરંતુ કામમાં પણ ધ્યાન આપવાનું હોવાથી શરૂઆતમાં પ્રિયપાત્ર માટે પુરતો સમય નહીં ફાળવી શકશો. સપ્તાહના મધ્યમાં સમય સારો છે. છેલ્લા બે દિવસમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે.

કુંભઃ સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તમારું મન થોડુ બેચેન રહેવાથી કોઇ બાબતોમાં મન ના ચોંટે પરંતુ આ તબક્કો ખૂબ ટુંકો હોવાથી તેને પસાર થતા વાર નહીં લાગે. પૂર્વાર્ધમાં પરિવારમાં જીવનસાથી અને સંતાનો સાથે સુમેળ રહેશે. જોકે, સંતાનો સંબંધિત કાર્યોમાં અત્યારે તમારે વધુ ધ્યાન આપવું પડશે અને તેમાં તમારો સમય પણ ફાળવવો પડશે. પ્રોફેશનલ બાબતોમાં અત્યારે તમે વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને અગાઉ કરેલા કાર્યોનું ફળ મેળવવા માટે પણ અત્યારે સમય આપની તરફેણમાં છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સામાન્ય રહેશે, પરંતુ ક્લાસમાં એક્કો થવા માટે સખત મહેનત અચૂક કરવી પડશે. આપને લગ્ન, રિસેપ્શન કે સગાઈ જેવા માંગલિક પ્રસંગોમાં જવાનું થશે અને ત્યાં સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આપ આનંદિત થઇ જશો. લગ્નોત્સુક જાતકોએ ત્યારે જીવનસાથીની પસંદગી બાબતે નિર્ણય લેવામાં થોડુ સાચવવું જરૂરી છે. સ્વાસ્થ્યનો વિચાર કરીએ તો ખાસ કરીને શારીરિક કષ્ટ, ખાસ કરીને આંખોમાં પીડા, બળતરા, ઝાંખપ વગેરે તકલીફોની શક્યતા છે.

મીનઃવિવાહિતોને શરૂઆત સારી થાય અને પહેલા દિવસે મધ્યાહન સુધી પોતાના સાથી જોડે બહેતર સમય વિતાવી શકે પરંતુ તા. 27ના મધ્યાહનથી 29ના મધ્યાહન સુધી સંબંધોમાં થોડો તણાવ રહેવાની શક્યતા છે. કદાચ આ સમયમાં તમારું મન વ્યાકુળ રહે અથવા તમે એકાંત વધુ પસંદ કરો જેથી સંબંધો ઉપરાંત પ્રોફેશનલ બાબતોમાં પણ ખાસ મજા નહીં આવે. આ તબક્કા તમારા માટે આત્મખોજનો સમય ગણી શકાય. આ સમયમાં તમને ધાર્મિક બાબતોમાં કંઇક નવું જાણવાની ઇચ્છા થશે. પ્રિયપાત્ર અથવા જીવનસાથીને લગતી કોઇ ચિંતા હોય તો સપ્તાહના ઉત્તરાર્ધમાં તેનો ઉકેલ આવી શકે છે. પ્રોફેશનલ મોરચે પણ ઉત્તરાર્ધ બહેતર રહેશે અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા બે દિવસમાં તમે કામકાજમાં વધુ ધ્યાન આપો. જોકે, આ સમયમાં ખાસ કરીને વિરોધીઓ અથવા હરીફોથી સાચવવું પડશે. અત્યારે તમને કામકાજમાં ધરમૂળથી કેટલાક ફેરફાર કરવાની ઇચ્છા થાય જેથી કોઇપણ નિર્ણય સમજીવિચારીને લેવો. વિદ્યાર્થી જાતકો માટે પૂર્વાર્ધ ખાસ આશાસ્પદ નથી પરંતુ ઉત્તરાર્ધમાં તમે ભણવામાં ધ્યાન આપી શકો. સ્વાસ્થ્યમાં કોઇ સમસ્યા હોય તો, તા. 29ના મધ્યાહન પછી તેમાં સુધારો આવે.

Last Updated : Oct 27, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details