અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ છેડતી તેમજ મારામારીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના ઘરની સામેના મકાનમાં રહેતા યુવકે પોતાના ઘરમાં બારી પાસે ઊભા રહીને કપડા કાઢીને અશ્લીલ ઈશારાઓ કર્યા હતા. તેમજ મહિલાની ઈચ્છા વિરુદ્ધ જાતીય માંગણી કરી મહિલા સાથે મારામારી કરી હતી. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો : આ મામલે 35 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે, મહિલા સિલાઈ કામ કરે છે. 26મી એપ્રિલના રોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં તે ઘરની બહાર ઓટલા પર કપડાં ધોતી હતી. તે સમયે તેની ચાલીમાં તેના ઘરની સામેના મકાનમાં રહેતો યુવક પોતાના ઘરની બારીમાં ઉભો હતો. જે બાદ તે યુવકે મકાનની બારીમાં ઉભા રહીને મહિલાને પોતાના પેન્ટની ચેન ખોલીને મહિલાને બીભત્સ ઈશારાઓ કર્યા હતા. અગાઉ પણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ આ યુવક જાતીય પ્રકારની માંગણીઓ કરતો હોય, કંટાળીને મહિલા ઘરમાં જતી રહી હતી.
આ પણ વાંચો :Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા
આરોપીની માતા યુવક સાઈડ : તે સમયે ઘરમાં હાજર સાસુ અને નણંદને તેણે આ બાબતની જાણ કરતા તેની સાસુ યુવકની માતાને આ બાબતે કહેવા જતા યુવકની માતાએ પણ તેઓની સાથે ઝઘડો કર્યો હતો. પોતાના દીકરાનો પક્ષ લઈ બોલાચાલી કરી હતી. જે બાદ રાતના દસ વાગ્યા આસપાસ મહિલા ઘરે હાજર હતી. તે સમયે આરોપી યુવકની માતા તેના દીકરાનું ઉપરાણું લઈને તેઓની પાસે આવીને કહ્યું હતું કે, મારો દીકરો હવે તને બતાવશે, તેમ કહીને ઝઘડો કર્યો હતો. તે સમયે મહિલાનો દીકરો અને પતિ ત્યાં આવી જતા યુવકે મહિલાને ગાળો આપી બેઝબોલના ડંડાથી માર માર્યો હતો.
આ પણ વાંચો :Ahmedabad Crime News : સરનામું પૂછવા તેમજ હથિયાર બતાવી છેડતી મામલે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
લોકોએ મહિલાને છોડાવી : જોકે આજુબાજુના લોકો એકઠા થતા મહિલાને મારમાંથી છોડાવી હતી. આ મામલે પોલીસને જાણ કરતા ગોમતીપુર પોલીસે આ ઘટનાને લઈને યુવક તેમજ તેના માતા પિતા સામે છેડતી અને મારામારીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં ગોમતીપુરના PI એ.જે પાંડવે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.