અમદાવાદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શ્રાવણ માસ માટે ધાર્મિક અને પિકનિક પ્રવાસને લઈને બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં એક બસમાં વધુમાં વધુ 40 પ્રવાસી બેસી શકશે. બસની વ્યવસ્થા નિશ્ચિત કરેલા સ્થાન પર પૂરી પાડવામાં આવશે. ગત વર્ષે જે ભાડું રાખ્યું હતું તે જ ભાડું આ વર્ષે પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બેઠકમાં 200 નવી CNG બસો મંજૂર કરવાનો નિર્ણય પણ સામે આવ્યો છે.
Ahmedabad News : અમદાવાદીઓ માટે AMCએ રજૂ કર્યુ શ્રાવણ માસમાં બસ ટૂરનું પેકેજ, નવી 200 CNG બસો મંજૂર
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 200 નવી CNG બસો મંજૂર કરવામાં આવી છે. તેમજ શહેરના નાગરિકો માટે શ્રાવણ માસને લઈને ધાર્મિક-પિકનિક પ્રવાસમાં બસ દોડાવવાનું આયોજન કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પવિત્ર શ્રાવણ મહિનાના ધાર્મિક તહેવાર નિમિતે શહેરના નાગરિકોને ધાર્મિક પ્રવાસનો દર્શનનો લાભ મળે એ પ્રમાણેનું દર વર્ષ સારુ આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો લાભ લે છે, ત્યારે આ વખતે શ્રાવણ માસ સાથે અધિક માસ છે એટલે બે પવિત્ર મહિના છે તો આ બંને મહિના માટે તંત્ર જે દર વર્ષે આયોજન કરે છે. તે આયોજન આ બંને મહિના માટે કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જે 2400 ભાડું રાખવામાં આવ્યું તે જ ભાડુ આ વર્ષે પણ રાખવામાં આવ્યું છે. તેમજ ટ્રાન્સપોર્ટ કમિટીમાં 2200 નવી CNG બસો લેવાનું કામ હતું. જે કામ આજે મંજુર કર્યું છે. - વલ્લભ પટેલ (AMTS, ચેરમેન)
ધાર્મિક પ્રવાસ બસ સેવા : જલારામ મંદિર, હરેકૃષ્ણ મંદિર(ભાડજ), વૈષ્ણોદેવી મંદિર, ત્રિ મંદિર વિશ્વ ઉમિયાધામ(જાસપુર), કેમ્પ હનુમાન મંદિર, નરોડા બેઠક, સિદ્ધિવિનાયક મંદિર(મહેમદાબાદ), લાંભા મંદિર, સોમનાથ મહાદેવ, ગેસપુર ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ, સોલા ભાગવત વિદ્યાપીઠ, મહાકાળી મંદિર, નીલકંઠ મહાદેવ, ભીડભંજન હનુમાન, ચકુડિયા મહાદેવ, જગન્નાથ મંદિર, ગુરુ ગોવિંદ ધામ, તિરુપતિ બાલાજી, અક્ષરપુરુષોત્તમ મંદિર, અસારવા બેઠક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર અને તીર્થધામ પ્રેરણાપીઠ પરથી એક દિવસ અગાઉ શરતો અને નિયમોને આધીન સમય મર્યાદામાં બસ સેવાનો લાભ મળી રહેશે. જે 2400 રૂપિયામાં 40 પ્રવાસીઓને શહેરના તમામ મંદિરોમાં દર્શનાર્થે લઈ જવામાં આવશે.