ટ્રાફિકજામ, અકસ્માતનું કારણ બનેલા આ રૂટ પર હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા, જાહેર પરિવહનની સેવા ઝડપી-સલામત બનાવવા માટેની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે BRTS રૂટો પર બિન અધિકૃત રીતે દોડતા ખાનગી વાહન ચાલકોને ઝડપીને દંડવાની કામગીરી શહેરના તમામ સાતેય ઝોનમાં હાથ ધરવામાં આવી છે.
AMC દ્વારા BRTSની લાઈનમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા
અમદાવાદ: શહેરમાં BRTS રૂટમાંથી બિન અધિકૃત રીતે પસાર થતા વાહનચાલકોને દંડવાની કામગીરી મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેમાં કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિકની બનાવાયેલી સંયુક્ત ' જેટ ' ટિમ સાથે મળી કામ કરે છે. BRTS કૉરિડોરમાં પણ કેટલાક સ્થળે લારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. કૉરિડોરને કારણે રોડ સાંકડા બની ગયા છે, સામાન્ય નાગરિકો જો BRTS કોરિડોરમાંથી પસાર થાયતો તેમને દંડ થાય છે અને જો સામાન્ય રસ્તા પરથી પસાર થવા જાય તો તે દબાણને કારણે શક્ય જ નથી.
આ અંગેમ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ 400 થી વધુ વ્યક્તિ પાસેથી 4,32,500 નો દંડ વસુલાયો છે. આ કામગીરી રોજ ચાલુ રખાશે. BRTS રૂટો પર તૂટી ગયેલા લોખંડની ઝાળીઓ, તૂટેલા રોડ અને બસ સ્ટેન્ડોની મરામત કરીને વાહન વ્યવહાર વધુ સરળ અને સલામત બનાવવા પ્રયાસ કરાશે.
BRTS રૂટને સમાંતર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે રોડ પરના લારી-ગલ્લા અને શેડ પ્રકારના દબાણો તોડી પાડવાની પણ કામગીરી ઝૂંબેશના રૂપમાં હાથ ધરવામાં આવી છે. નોંધપાત્ર છે કે રાત્રિ દરમિયાન ખૂલ્લા BRTS રૂટો પર ખાનગી વાહન ચાલકો પુરપાટ અને જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. જે અવારનવાર અકસ્માતમાં પરિણમે છે. મોટાભાગના અકસ્માત રાત્રિના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીના ગાળામાં થઇ રહ્યા છે. જે જીવલેણ પુરવાર થઇ રહ્યાં છે.