અમદાવાદ : શહેરમાં ઔડાના મકાન અપાવવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગરીબ લોકો પાસેથી ફોર્મ ભરાવાના નામે 100-100 રૂપિયા ઉઘરાવીને આરોપી રફુચક્કર થઈ જતાં સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચેરીટેબલ ટ્રસ્ટના ચાલક દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે ગુનો દાખલ કરતા જ આરોપી ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર્તા મૃણાલીની પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં નવરંગપુરામાં નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતા આકાશસિંહ ભરતસિંહ પરમાર દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જઈને ગરીબ લોકોને ઔડાના મકાન આપવા માટેના સર્વેના ફોર્મ ભરાયા હતા અને ફોર્મ દીઠ 100-100 રૂપિયા લીધા હતા. જે બાદ મકાન ન આપીને છેતરપિંડી આચરી હતી.
ગરીબ માણસોનો સર્વે :આ મામલે ફરિયાદીને જાણ થતાં તેઓ આકાશ પરમારની ઓફિસે ગયા હતા, જ્યાં આરોપીએ ઔડાના મકાન અપાવવા માટે ગરીબ માણસોનો સર્વે કરી તેઓની પાસેથી ફોર્મ ભરાવી આ ફોર્મની ફી પેટે 100-100 રૂપિયા લેતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ આકાશસિંહે કેટલાક ગ્રાહકોના મકાન માટેના સર્વેના ફોર્મ પણ બતાવ્યા હતા. જેથી ફરિયાદીએ તેને આ પૈસા તમે કયા કાયદા મુજબ ઉઘરાવો છો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવો કોઈ એગ્રીમેન્ટ કરી આપ્યું છે કે કેમ તે બાબતે પૂછતાં તેણે કોઈ ડોક્યુમેન્ટ બતાવ્યા ન હતા.
લોકોના ફોર્મ ભરાવ્યા : તે સમયે ત્યાં ઓફિસમાં હાજર ત્રણ મહિલાઓ હાજર હતી,. જેમાં વિજા બાંભણીયા, ઉમિયા પરમાર તેમજ જ્યોતિ બારૈયા ફરિયાદીને જણાવ્યું હતું કે, આકાશસિંહ પરમારે તેમના ઓફિસના માણસોને વાડજ ખાતે મોકલીને તેઓને ઔડાનું મકાન મળશે. તેવી લાલચ આપીને મકાનના સર્વે માટેના ફોર્મ ભરાવીને ગ્રાહક દીઠ 100-100 રૂપિયા લીધા હતા. તે સમયે અનેક લોકોના ફોર્મ ભરાવ્યા હતા. પરંતુ કોઈ ગ્રાહકોને આજ દિન સુધી ઔડાનું મકાન આપ્યું નથી.